• શનિવાર, 21 નવેમ્બર, 2026

હવે વારંવાર નહીં બનાવવું પડે પીયુસી

કેન્દ્ર સરકારે નિયમોમા કર્યા મોટા ફેરફાર ઃ  બીએસ-6 વાહન માટે હવે દર ત્રણ વર્ષે પીયુસી રિન્યૂઅલ

 

નવી દિલ્હી, તા. 19 ઃ કેન્દ્ર સરકારે વાહનો માટેના પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર (પીયુસી)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નવાં બીએસ-6 (ભારત સ્ટેજ-6)વાળાં ખાનગી વાહનોને વારંવાર પીયુસી કરાવવું પડશે નહીં. સરકારે વાહનોના વપરાશ વર્ષના આધારે પીયુસી મર્યાદા બહાર પાડી હતી.

પોલ્યુશન અન્ડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણપત્રોની અવધિમાં ફેરફાર કરતાં નવા બીએસ-6 ધોરણો મુજબના વાહનોને પીયુસી રિન્યૂ કરાવવા વચ્ચે લાંબો ગાળો મળશે જ્યારે જૂના વાહનો માટે ટૂંકી માન્યતા અવધિ જાળવી રાખવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 13 નવેમ્બરના સૂચિત કરવામાં આવેલા નવા નિયમો હેઠળ છ વર્ષ સુધીના જૂના બીએસ-6 ધોરણોવાળાં ખાનગી વાહનોને હવે દર ત્રણ વર્ષે એક વખત પીયુસી કરાવવાનું રહેશે જ્યારે છ વર્ષથી વધુ પરંતુ 10 વર્ષ સુધીનાં વાહનોને દર વર્ષે પીયુસી કરાવવાની જરૂર રહેશે.

દસ વર્ષથી જૂનાં વાહનોને દર  છ મહિને પીયુસી રિન્યૂઅલ કરાવવાની જોગવાઈ યથાવત્ રહેશે.

બીએસ-1, બીએસ-2 અને બીએસ-3 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતાં વાહનો માટે ત્રણ મહિના માટે પીયુસી પ્રમાણપત્ર માન્ય રહેશે. બીએસ-4 વાહનો માટે તે છ મહિના માટે માન્ય ગણાશે.

આ ફેરફારો મોટરવાહન અધિનિયમ 1988 હેઠળ કેન્દ્રીય મોટર વ્હીકલ્સ (સોળમો સુધારો) નિયમો-2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે અને સત્તાવાર ગેઝેટમાં પ્રકાશન થવાની સાથે જ અમલમાં આવ્યા છે.

સુધારાયેલા નિયમોમાં રિન્યૂ પ્રમાણપત્રોની અસરકર્તા તારીખ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો પ્રમાણપત્રોની મુદત પૂરી થવાના 10 દિવસ પહેલાં પીયુસી રિન્યૂ કરવામાં આવે તો રિન્યૂ થયેલું પ્રમાણપત્ર હાલના પ્રમાણપત્રની સમાપ્તિ તારીખથી અમલમાં આવશે. અન્ય તમામ કિસ્સામાં જ્યાં મુદત પૂરી થયા પછી રિન્યૂ કરવામાં આવે તો નવું પીયુસી તેની રિન્યૂ તારીખથી અમલમાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક