નવું બની ગયેલું સરોવર પણ પાણીનાં દબાણમાં તૂટે તેવી ભીતિ
નવીદિલ્હી,તા.27ઃ ભયાનક પૂરથી મચેલી તબાહીથી કણસતા નેપાળ ઉપર વધુ એક મોટો ખતરો ઝળુંબી રહ્યો છે. ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર, નેપાળમાં છોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક આશરે 20 લાખ ઘનમીટર પાણી ધરાવતું એક મોટું સરોવર બની ગયું છે. સરોવર પહેલેથી જ છલકાવા લાગ્યું છે અને આગામી ત્રણ દિવસમાં તેમાં આશરે 30 લાખ ઘનમીટર વધુ પાણી આવવાનો અંદાજ છે. જેને પગલે આ નવું સર્જાયેલું તળાવ તૂટવાનો ખતરો છે.
ચીનના જળ સંસાધન મંત્રાલયે સરોવરના કુદરતી બંધ તૂટવાની શક્યતાને ગંભીર ગણાવી છે. ચેતવણી અનુસાર આગામી 72 કલાક
અત્યંત મહત્વપૂર્ણ અને જોખમી છે. પાણીનું સ્તર સતત વધવાથી કુદરતી બંધ પર દબાણ વધી શકે છે. જો આ બંધ તૂટી જાય, તો એકઠું થયેલું પાણી અચાનક નીચેની તરફ વહી શકે છે અને પહેલેથી જ પૂરનો સામનો કરી રહેલા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ચીની અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પૂરના સંભવિત પ્રવાહના માર્ગોનો વાસ્તવિક સમયમાં અંદાજ લગાવવા માટે કમ્પ્યુટર આધારિત પૂર મોડલ ચલાવવામાં આવી રહ્યા છે. તેનો હેતુ બચાવ ટીમોને સમયસર માહિતી આપવાનો અને નીચેના વિસ્તારોમાં આવનારા કોઈ નવા પૂરના ખતરાને ઘટાડવાનો છે. મુશ્કેલ પહાડી વિસ્તાર અને સતત થઈ રહેલો વરસાદ બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. પરિસ્થિતિ એટલા માટે ગંભીર છે કે આગામી ત્રણ દિવસમાં નવા સરોવરમાં આશરે 30 લાખ ઘન મીટર વધારાનું પાણી આવવાનો અંદાજ છે. જો પાણીનું દબાણ વધે અને કુદરતી બંધ તૂટી જાય, તો અચાનક ઝડપી પ્રવાહ નીચેના વિસ્તારોમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પહેલેથી અસરગ્રસ્ત વસાહતો અને નદીકાંઠે રહેતા લોકો માટે ખતરો વધી શકે છે. અધિકારીઓ માટે આગામી 72 કલાક
દેખરેખ અને બચાવની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.