• સોમવાર, 23 નવેમ્બર, 2026

ચોટીલામાં જમીનનાં જૂનાં મનદુ:ખમાં પૂર્વ પાલિકા સભ્ય પર ફાયારિંગ

ક્પિતરાઈ ભાઈએ ઓફિસે ધસી આવી ગોળીબાર કર્યાની ફરિયાદ, જાનથી મારી નાખવાની ધમકીથી ચકચાર

ચોટીલા, તા. 22 : ચોટીલા શહેરમાં જમીનના જૂના વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઇ વે પર પેટ્રોલ પંપ સામે આવેલી ઓફિસમાં ધસી આવેલા શખસે પૂર્વ પાલિકા સભ્ય પર પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગોળી ઓફિસના દરવાજા સાથે અથડાઈ દીવાલ તરફ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે પૂર્વ પાલિકા સભ્ય કિરીટભાઈ જોરૂભાઈ ખાચરે તેમના ફઈના પુત્ર નીમભાઈ ભીખુભાઈ ખવડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કુંદણી ગામની જમીન વર્ષો પહેલાં તેમનાં માતા-પિતાએ વેચી દીધી હોવા છતાં કિરીટભાઈએ જમીન વેચાવી હોવાની શંકા રાખી આરોપી મનદુ:ખ રાખતો હતો. અગાઉ પણ ફોન પર બોલાચાલી કરી ધમકી આપી હતી.

તા. 21 નવેમ્બરની રાત્રે આરોપી અજમેરા પેટ્રોલ પમ્પ સામે આવેલી ઓફિસે પહોંચ્યો હતો અને કિરીટભાઈ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે 112 નંબર પર જાણ કરતાં તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ તા. 22 નવેમ્બરની મધરાતે આશરે 12:15 વાગ્યે કિરીટભાઈ મિત્રો સાથે ઓફિસમાં બેઠા હતા ત્યારે આરોપી મોટરસાયકલ પર આવ્યો હતો અને બહાર બોલાવી ધમકી આપી હતી. બાદમાં પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કરતાં ગોળી દરવાજા સાથે અથડાઈ હતી. ફરી ફાયરિંગનો પ્રયાસ કરતા હાજર મિત્રએ તેને પકડી ઓફિસની બહાર કાઢયો હતો. જતાં જતાં પણ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક