• મંગળવાર, 17 નવેમ્બર, 2026

જમ્મુ ઃ બે એસપીઓના મૃત્યુમાં નવો વિવાદ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બંને અધિકારીને સેનાએ ગોળી મારી હોવાનું કહેતાં રાજકારણ ગરમ

જમ્મુ, તા. 16 ઃ કિશ્તવાડ જિલ્લામાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (એસપીઓ)  રશપાલ કુમાર અને બોબી ચંદના મૃત્યુ  અંગે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરાએ કરેલી ટિપ્પણીઓને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. કરાએ આ અધિકારીઓના મોત સેનાએ આતંકવાદી સમજી કરેલા ગોળીબારમાં થયાનો આરોપ મૂકીને ઘટનાની તપાસની માંગ કરી છે. બીજીતરફ ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરીને કરા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ભાજપે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા આરોપ લગાવ્યો હતો કે, આ આતંકવાદીઓને ‘ક્લીન ચિટ’ આપવાનું એક ષડયંત્ર છે. ભાજપના એક પ્રવક્તાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની  સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા ફરજ માટે પોતાના ઘરેથી નીકળેલા આ બે એસપીઓ 11 નવેમ્બરના મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના મૃતદેહો ગોળીઓથી વીંધાયેલા હતા. આ ઘટના દેહરના અને કિયાર ગામની વચ્ચે લગભગ 8,858 ફૂટની ઊંચાઈ પર બની હતી.

આતંકવાદીઓએ બંનેની ગોળી મારીને હત્યા કરી હતી અને તેમના હથિયાર પણ લૂટી લીધાં હતાં. પોલીસે ત્રણ આતંકવાદીના પોસ્ટર જારી કર્યાં હતા અને તેમના પર 30 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક