• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ટંકારા નજીક કારે 8થી વધુ ગુલાંટ મારી, રાજકોટના બે યુવકના મૃત્યુ

15 ફૂટ ઊંચે ફંગોળાઈ રોડ પર પટકાતા અમન અને પ્રભાતનાં મૃત્યુ , પાછળ બેઠેલા ત્રીજા યુવકને ઈજા

 

મોરબી, તા.16ઃ રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે બેકાબૂ બની 8થી વધુ વખત પલટી ખાઈ વીજ થાંભલા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શનિવારે સવારે 8ઃ30 વાગ્યે બનેલી આ ઘટનામાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરિયા અને પ્રભાત લામકા ફ્લાવર ડેકોરેશનના કામ માટે સ્વિફ્ટ કાર લઈને મોરબી જઈ રહ્યા હતા. દરમિયાન ટંકારા નજીક ગોળાઈમાં પૂરઝડપને કારણે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર એક પછી એક પલટી ખાવા લાગી હતી અને વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અકસાનકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે કાર પલટી ખાતાં આગળ બેઠેલા અમન અને પ્રભાત કારમાંથી બહાર ફંગોળાઈ આશરે 15 ફૂટ દૂર રોડ પર પટકાયા હતા. માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં બંનેનાં મૃત્યુ નીપજ્યાં હતાં. પાછળની સીટ પર બેઠેલા જીવણભાઈને હોઠ અને કમરના ભાગે ઈજાઓ થતાં રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે જીવણભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે મૃતક કારચાલક અમન સામે ગુનો નોંધી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબી હાઈવે પર ટ્રકની ટક્કરે રિક્ષાચાલકનું મૃત્યુ

મોરબી મકનસરના પ્રેમજીભાઈ પંચાસરા પોતાની રિક્ષા લઈને મકનસરથી મોરબી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક ટેઇલરના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રેમજીભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. રિક્ષામાં બેઠેલા અશ્વિનભાઈ ગોહિલને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી, જ્યારે શક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પુત્ર સતીષભાઈ પ્રેમજીભાઈ પંચાસરાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક