પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક બાદ હવે પાટીદાર નેતા લલિત વસોયાનું સ્ફોટક નિવેદન કહ્યું, આનંદીબેન પટેલને હટાવવા પાછળ પાટીદાર આંદોલન નહીં પરંતુ ભાજપનો જૂથવાદ જવાબદાર હતો !
રાજકોટ,
ધોરાજી તા.17 : વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે જ ગુજરાતનાં રાજકારણમાં
ફરી એક વખત જ્ઞાતિગત સમીકરણો અને સત્તાની ભાગીદારીનો મુદ્દો કેન્દ્રસ્થાને આવ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં જ્ઞાતિવાદનો રંગ ઘેરો બની રહ્યો છે. અલગ-અલગ સમાજના
રાજકીય નિવેદનો સામે આવી રહ્યાં છે.
તાજેતરમાં
પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કોળી સમાજના સંમેલનમાં 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળીયા
ફરી જંગી લીડથી જીતીને મંત્રી બનશે તેવું નિવેદન કર્યા બાદ આંતરિક રાજકારણ ગરમાયું
હતું.
દ્વારકાના
ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે પણ એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના
જ હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું અને હવે જસદણમાં આયોજિત પાટીદાર શૈક્ષણિક સખી
સમેલનમાં પાટીદાર અનામત આંદોલન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લઈને પાટીદાર
નેતા દિનેશ બાંભણિયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે.
લલિત
વસોયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબેન
પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હોવાની વાત પાયાવિહોણી છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું
હતું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલની વિરુદ્ધમાં નહોતું. આંદોલનકારીઓ દ્વારા
તેમને હટાવવા માટે કોઈ રણનીતિ પણ ઘડવામાં આવી નહોતી. આ આંદોલન કોઈ વ્યક્તિ વિશેષ સામે
નહોતું પરંતુ ગુજરાત સરકાર સામે હતું.
વધુમાં
તેઓએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને સમાજની માંગણીઓ સરકાર સુધી
પહોંચે તે આંદોલનનો મુખ્ય હેતુ હતો. તેથી આંદોલનને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી
હટાવવા સાથે જોડવું યોગ્ય નથી.આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા તે
બાબતે સમગ્ર પાટીદાર સમાજને દુ:ખ થયું હતું તેમ પણ લલિત વસોયાએ જણાવ્યું હતું. તેમના
મતે આનંદીબેન પટેલને પાટીદાર અનામત આંદોલનના કારણે નહીં, પરંતુ ભાજપની આંતરિક રાજકીય
ખેંચતાણ, જૂથવાદ અને પક્ષની કૂટનીતિને કારણે મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા.
બોટાદમાં
કુંવરજી બાવળીયાના સમર્થનમાં કોળી સમાજ મેદાને
બોટાદ
તા.17 : કુંવરજી બાવળીયાના નિવૃત્તિ અંગેના નિવેદનને લઈને કોળી સમાજમાં સર્જાયેલા વિવાદના
પડઘા હવે બોટાદમાં પણ પડ્યા છે. બોટાદ શહેરમાં આવેલી કોળી સમાજની વાડી ખાતે આજે સમાજના
આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવીણ કોળીના નિવેદનનો ઉગ્ર વિરોધ કરી કુંવરજી બાવળીયાના
સમર્થનમાં આગેવાનોએ એકસૂર વ્યક્ત કર્યો હતો.બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું
કે કુંવરજી બાવળીયા આજે પણ સમાજના વિકાસ માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે, ત્યારે
તેમને નિવૃત્તિ લેવાની કોઈ જરૂર નથી. કોળી સમાજના શૈક્ષણિક ભવનના નિર્માણ માટે તેઓ
રાત-દિવસ મહેનત કરી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. કુંવરજી બાવળીયાને બદનામ
કરવા પાછળ રાજકીય ષડયંત્ર હોવાનો આક્ષેપ કરી સમાજના હિતમાં કાર્યરત નેતા અંગે આ પ્રકારની
ટિપ્પણી અયોગ્ય ગણાવી હતી.