51 ટાંકી મૂકાઈ : આગનું જોખમ ટાળવા પાંચ દવ ટુકડીઓ તૈનાત રહેશે
ભાવિકોની
સુરક્ષા માટે 2500 કર્મચારીઓ તૈનાત
જૂનાગઢ,
તા.17: આગામી તા.20ના મધ્યરાત્રીથી શરૂ થતી
ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.આ તૈયારીઓ અંગે
પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
જિલ્લા
કલેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે, તા.20 નવેમ્બરની મધ્યરાત્રિએ પ્રારંભ થશે. ભાવિકોએ
નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું નહીં. વહેલા પહોંચવાથી પ્રવેશદ્વાર પર ભીડ થવાની
અને અન્ય શ્રદ્ધાળુઓને અગવડતા પડવાની શક્યતા છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે ખાસ કરીને
ગિરનાર વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી
ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પાંચ હજાર
લીટરની ક્ષમતાના 29 ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. તેની સામે આ વર્ષે અત્યાર
સુધીમાં 51 ટેન્ક મૂકવામાં આવ્યા છે અને આગામી બે દિવસમાં તેમાં વધુ વધારો કરવાનો પ્રયાસ
કરવામાં આવી રહ્યો છે. દરેક ટેન્ક સાથે આઠથી દસ નળની વ્યવસ્થા છે. આ ઉપરાંત માળવેલા
અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પરિક્રમાના
સમગ્ર માર્ગ પર પૂરતા પ્રમાણમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્ય સેવાઓ માટે
રૂટ પર સાત સ્થળોએ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈનાત રહેશે. સાથે જ બાઈક એમ્બ્યુલન્સની
વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવનાથ ખાતે આઈસીયુ સેન્ટરનું સેટઅપ કરવામાં આવ્યું છે,
જેથી કોઈ કટોકટીની સ્થિતિમાં દર્દીને બાઈક એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રેસ્ક્યૂ કરીને
ભવનાથ ખાતે સારવાર માટે લાવી શકાય.
ઓછા
વરસાદના કારણે ગિરનારમાં સૂકાં પાંદડાઓનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આગ લાગવાનું
જોખમ પણ રહેલું છે. આ સ્થિતિને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પાંચ દવ ટુકડીઓ વિવિધ
ઘોડીઓ પર તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત આશરે 30 રાવટીઓ પર ફાયર બ્લોઅરની વ્યવસ્થા કરવામાં
આવી છે. પરિક્રમામા ભાવિકોની સુરક્ષા પોલીસ
તથા વન વિભાગને સોંપવામાં આવી છે. બંને વિભાગના અંદાજે 2,500 જેટલા કર્મચારીઓ ભવનાથ
અને પરિક્રમાના રૂટ પર તૈનાત રહેશે.
આ ઉપરાંત
એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે. પાણીની અછતના કારણે જંગલમાં વન્યજીવો
પાણીના સ્ત્રોતો તરફ આવી શકે છે. તેથી ભાવિકોએ પરિક્રમાના નિર્ધારિત માર્ગથી બહાર જવું
નહીં અને જંગલમાં આવેલા પાણીના સ્ત્રોતોમાં ઉતરવું નહીં. આવા સ્થળોએ મગર હોવાની શક્યતા
પણ હોવાથી વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
જૂનાગઢ
બહારના જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી આવતા ભાવિકોની સુવિધા માટે રેલવે દ્વારા વધારાની
ટ્રેનો દોડાવવામાં આવશે. જ્યારે એસટી વિભાગ દ્વારા આશરે 250 વધારાની બસો દોડાવવાનું
આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રિક્ષા એસોસિયેશન સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં
આવી છે. પોલીસ વિભાગ દ્વારા રિક્ષાઓને અધિકૃત પાસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાસ ધરાવતી રિક્ષાઓને ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી અવરજવર
કરવાની મંજૂરી આપવામાં આવશે. જૂનાગઢના નાગરિકો માટે બાઈક પર આવવા-જવા બાબતે કોઈ પાસની
વ્યવસ્થા રાખવામાં આવી નથી અને તેઓ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જઈ શકશે. જોકે, સાંજના
સમયે આ માર્ગ પર યાત્રાળુઓની ભીડ વધુ રહેતી હોય, તેથી સાંજે 6થી 11 દરમિયાન બાઈકની
અવરજવર અટકાવાશે.
જિલ્લા
પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, અન્નક્ષેત્રો માટે પણ પાસની વ્યવસ્થા
કરવામાં આવી છે. અન્નક્ષેત્ર સંચાલકો રાત્રે 11થી સવારે 11 વાગ્યા સુધીના સમયગાળામાં
દુકાનો ખુલ્લી હોય ત્યારે જરૂરી સામગ્રી લાવી શકશે. રાત્રિના સમયે માર્ગ પર ટ્રાફિક
ઓછો રહેતો હોવાથી આ સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી યાત્રાળુઓને અવરજવરમાં ઓછામાં
ઓછી અગવડતા પડે.