• બુધવાર, 18 નવેમ્બર, 2026

MBBSમાં પ્રવેશ : NEET-UG સાથે ધો.12નાં માર્ક પણ ગણવા જરૂરી !

નીટ પરીક્ષા સુધારણા સમિતિને રાજ્યો દ્વારા સૂચન : બોર્ડની પરીક્ષાનાં બદલે છાત્રોનું નીટ-યુજી ઉપર વધુ મહત્ત્વ

નવીદિલ્હી,તા.17:  એમબીબીએસ, બીડીએસ અને આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે નીટ યુજી સાથે ધોરણ 12ના ગુણને પણ મહત્વ (વેઇટેજ) આપવામાં આવી શકે છે. ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીની અધ્યક્ષતામાં રચાયેલી પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સ સાથે યોજાયેલી બેઠકોમાં અનેક રાજ્યોએ આ સૂચન કર્યું છે.

આ ઉપરાંત રાજ્યોએ વર્ષમાં બે વખત નીટ પરીક્ષા યોજવા અને પેન-પેપર પદ્ધતિને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) શરૂ કરવા સહિતનાં અન્ય સૂચનો પણ આપ્યાં છે.

ઉલ્લેખનીય છે કે નીટ દ્વારા જ દેશમાં એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, બીએસસી નર્સિંગ અને બીવીએસસી એન્ડ એચએ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.

રાજ્યોએ સુધારણા સમિતિ સમક્ષ જણાવ્યું છે કે પ્રવેશ સંપૂર્ણપણે નીટ યુજી પરીક્ષાના આધારે થતો હોવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન શાળાના અભ્યાસમાંથી હટી રહ્યું છે.

વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને બદલે નીટ યુજીની તૈયારી પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ માટે તેઓ ડમી સ્કૂલોનો સહારો લઈને કાચિંગ સંસ્થાઓમાં વધુ સમય વિતાવે છે.

રાજ્યોએ જણાવ્યું હતું કે, ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ ડમી સ્કૂલોમાં પ્રવેશ મેળવે છે. આવી શાળાઓમાં ધોરણ 11 અને 12 દરમિયાન તેમની ખોટી હાજરી નોંધવામાં આવે છે. એટલે કે શાળાએ હાજર ન હોવા છતાં તેમને હાજર બતાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ પોતાનો મોટાભાગનો સમય કાચિંગ સંસ્થાઓમાં વિતાવે છે.

નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી સુધારણા સમિતિ સમક્ષ નીટ યુજીની પરીક્ષા વર્ષમાં એકથી વધુ વખત યોજવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યોનું કહેવું છે કે આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો તણાવ ઓછો થશે. સાથે જ તેમને પોતાની તૈયારી અને પરીક્ષામાં પ્રદર્શન સુધારવા માટે વધારાની તકો મળશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક