બે ટ્રસ્ટની મિલકતોએ રૂ.1.39 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો આક્ષેપ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.31: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલા
બે ચેરિટેબલ ટ્રસ્ટની મિલકતોના ગેરકાયદેસર વહીવટ અને કબજાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ
ગાળિયો કસ્યો છે. કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની મિલકતોમાં થયેલી
કથિત ગેરરીતિના મામલે ઈડીના અમદાવાદ ઝોનલ કાર્યાલયે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પાંચ
વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ઈડીની તપાસમાં અત્યાર સુધીમાં કુલ રૂ.1.39 કરોડની
રકમ ગુનાહિત કમાણી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઈડીના
ખાસ સરકારી વકીલ અનિરુદ્ધ ખંભોળજાએ કોર્ટ સમક્ષ રજૂ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે
કે મુખ્ય આરોપી સલીમખાન જુમ્માખાન પઠાણ, સાહિદહમદ યકૂબભાઈ શેખ, મોહમ્મદ યાસર અબ્દુલ્લા
મિયાં શેખ, ફૈઝમોહમ્મદ પીરમહોમ્મદ ચોબદાર તથા સલીમખાનનો ભાઈ મહમૂદખાન જુમ્માખાનની ગુજરાત
સ્ટેટ વક્ફ બોર્ડ દ્વારા કાયદેસરના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી નહોતી, તેમ છતાં
આરોપીઓએ પોતાને ડીમ્ડ ટ્રસ્ટી તરીકે રજૂ કર્યા હતા અને મોહલ્લા પંચના નામે ટ્રસ્ટની
મિલકતોનો વહીવટ શરૂ કર્યો હતો.
ઈડીની
ફરિયાદ મુજબ કાંચની મસ્જિદ ટ્રસ્ટની જમીનનો એક ભાગ 1935માં અમદાવાદ કોર્પોરેશનને ઉર્દૂ
સ્કૂલ ચલાવવા 99 વર્ષના ભાડાપટ્ટે અપાયો હતો. 2001ના ભૂકંપમાં શાળાનું મકાન નબળું પડ્યા
બાદ 2009-10માં સલીમખાન પઠાણે મકાન તોડી પાડ્યું હોવાનો અને તેના સ્થાને 10 ગેરકાયદે
વ્યવસાયિક દુકાનો બાંધી હોવાનો આક્ષેપ કરાયો છે. આ દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી.
ઈડીના જણાવ્યા મુજબ, ટ્રસ્ટની મિલકતના ભાડૂતો પાસેથી લાખોની સિક્યુરિટી ડિપોઝીટ મેળવાઈ
અને માસિક ભાડુ વસુલાયું હતું. આ નાણાં ટ્રસ્ટનાં અધિકૃત બેંક ખાતાંમાં જમા કરાવવાને
બદલે અંગત હેતુ માટે વાપરવામાં આવ્યાં હતાં.