• રવિવાર, 01 નવેમ્બર, 2026

પોરબંદરમાં બરડા કેસર કેરીની શિયાળામાં હરાજી ! 40 કિલોના બોકસના રૂ.1001માં વેપાર

પોરબંદર, તા.31: પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે બરડા ડુંગરની કેસર કેરીનું આગમન થતા 1001 રૂ. કિલો લેખે 40 કિલો કેરીની હરાજી થઇ હતી. ઓકટોબર મહિનાના અંતે પોરબંદરનું એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ કેરીની મીઠી સુગંધથી મહેકી ઉઠયું હતું. જે મહિનામાં સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીની આવક હોય, ત્યાં ઉનાળાની રાણી ગણાતી કેસર કેરીની જાહેર હરાજી યોજાઇ હતી. માર્કેટીંગ યાર્ડમાં આવેલી જાણીતી પેઢી ખોડિયાર ટ્રેડર્સ વાળા કેતનભાઇ રાયચુરાને ત્યાં બરડા કેસર કેરીની હરરાજી યોજવામાં આવી હતી. હરરાજીમાં કેરીનો ભાવ સાંભળીને સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. એક કિલો કેરીનો ભાવ  રૂ.1,001 ઉપજયો હતો અને હરરાજી માટે કુલ 40 કિલો કેરીનો જથ્થો આવ્યો હતો.

ઓકટોબર મહિનામાં કેરીની ઉપલબ્ધિ એ સૌ માટે આશ્ચર્યજનક બાબત હતી. હરાજી શરૂ થતા જ  વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને જોતજોતામાં ભાવ રૂ.1,001 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. પોરબંદરના બરડા ડુંગર અને તેની કેસર કેરી એ માત્ર ફળ નથી, પણ પોરબંદરની ઓળખ છે. બરડા ડુંગરના કુદરતી વાતાવરણમાં પાકતી આ કેરી તેની અલગ જ મીઠાશ, ઘેરી સુગંધ, કેસરી કલર અને લાંબા સમય સુધી બગડતી નથી કે ખાસિયત માટે પ્રીમિયમ ગણાય છે. ગીરની કેસર પ્રખ્યાત છે, પણ  બરડાની કેસરનો સ્વાદ અનોખો છે, એવું ખેડૂતો કહે છે.

સામાન્ય રીતે કેસર કેરીમાં ડિસેમ્બર- જાન્યુઆરીમાં મોર આવે અને એપ્રિ-- જૂનમાં ફળ પાકે. પરંતુ આ વખતે ચોમાસા બાદ હવામાનમાં આવેલા અસામાન્ય બદલાવ, કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિગને કારણે કેટલાક વૃક્ષોમાં અકાળે મોર આવી ગયા  હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે, આ ચોક્કસ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે અંગે કૃષિ  વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જ જાણી શકાશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક