નવું એક્ટિવા ખરીદીને મિત્ર સાથે રામનાથ દાદાના દર્શને ગયેલા બે યુવકોને પાછળથી આવતી રિક્ષા, ઇકો અને બોલેરોએ કચડી નાખ્યાં
રાજકોટ, તા.1:રાજકોટના કુવાડવા
રોડ પર મેંગો માર્કેટ પાસે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અત્યંત હૃદયદ્રાવક અને
જીવલેણ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રામનાથ દાદાના દર્શને જઈ રહેલા બે
જીગરજાન મિત્રોના કાળ આંબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી
રોડ પર વેલનાથ શેરી નં. 18 માં રહેતા 18 વર્ષીય દશરથભાઈ રાજુભાઈ બજાણીયાએ ગઈકાલે જ
નવું એક્ટિવા ખરીદ્યું હતું. આ નવી ગાડી લઈને તે પોતાના પરમ મિત્ર, 23 વર્ષીય ચંદ્રેશભાઈ
ધર્મેશભાઈ નિમાવત સાથે રામનાથ દાદાના દર્શન કરવા માટે નીકળ્યો હતો. પરંતુ કુવાડવા રોડ
પર મેંગો માર્કેટ પાસે પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક રિક્ષાએ તેમના એક્ટિવાને
જોરદાર ઠોકર મારી હતી. રિક્ષાની ટક્કર વાગતા જ બંને મિત્રો રસ્તા પર ફંગોળાઈને પટકાયા
હતા, અને તે જ વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈકો કાર અને ત્યાર બાદ એક બોલેરો
ગાડી પણ બંને ઘાયલ યુવકો પરથી ફરી વળી હતી. એક પછી એક ત્રણ-ત્રણ વાહનો નીચે કચડાઈ જવાથી
બંને મિત્રોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જેને પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામ અને
લોકટોળા ઉમટી પડયા હતા તથા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં
જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ
અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જનાર ફરાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. આ કરૂણ બનાવથી બંને આશાસ્પદ યુવકોના પરિવાર પર આભ તૂટી પડયું છે અને ભારે ગમગીની
છવાઈ ગઈ છે. મૃતક દશરથ બજાણીયા ત્રણ ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા રિક્ષા ચલાવી પરિવારનું
ગુજરાન ચલાવતા હતા, જ્યારે દશરથ મોટાભાઈ સાથે અનાજ કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો.
તેની સાથે જીવ ખોઈ બેઠેલો મિત્ર ચંદ્રેશ નિમાવત બે ભાઈઓમાં મોટો હતો અને તે પણ દશરથની
દુકાનમાં જ કામ કરીને પરિવારનો આર્થિક આધાર બન્યો હતો, વળી, તેના પિતા બીમાર હોવાથી
ઘરની મોટી જવાબદારી પણ ચંદ્રેશના શિરે જ હતી. કરિયાણાની દુકાનમાં સાથે કામ કરતા જીગરજાન
મિત્રોના એકસાથે અચાનક અને દર્દનાક મૃત્યુથી તેમના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન અને કાળો
કલ્પાંત મચી ગયો.