• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

હોર્મુઝ સંકટ સામે સિરામિક ઉદ્યોગ લાચાર : ગેસના ભાવ અનિશ્ચિત નેચરલ ગેસ કે પ્રોપેનના ભાવ નક્કી ન થતાં ઉદ્યોગકારો ગાંધીનગર દોડયાં

સુરેશ ગોસ્વામી

મોરબી, તા.31(ફૂલછાબ ન્યૂઝ) : ઈરાન - અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે. હોર્મુઝ સંકટને પગલે ગત મહિને ગુજરાત ગેસ કંપનીએ ત્રણ અલગ - અલગ ભાવથી ગેસ સપ્લાય કર્યા બાદ 31 ઓગસ્ટ વીતવા છતાં આગામી સપ્ટેમ્બર માસની ડિમાન્ડ લિંક મોકલી નથી. એ કારણે ઉદ્યોગકારો પરેશાન થઇ ગયા છે.

પ્રોપેન સપ્લાય કરતી ભારત સરકારની ત્રણેય કંપનીઓએ પણ સપ્ટેમ્બર માસ માટે પ્રોપેનના ભાવ જાહેર ન કરતા સિરામિક ઉદ્યોગકારો ફસાયા છે. જો કે, ગેસ ટ્રબલનો અંત લાવવા ઉદ્યોગકારોએ ગાંધીનગર જવું પડયું હતુ.

વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાઈ આપતા મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી છે.ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ બાદ લાંબો સમય સુધી ગેસની અછત સહન કર્યા બાદ માંડ સ્થિતિ થાળે પડતી નજર આવતી હતી તેવામાં જુલાઈ માસમાં ફરી ગેસની સમસ્યા સર્જાતા નેચરલ ગેસમાંથી પ્રોપેન તરફ વળેલા સિરામિક ઉદ્યોગને ઝટકા ઉપર ઝટકા વાગે છે.

પ્રોપેન સસ્તો થતા મોટાભાગના ઉદ્યોગો ફરી નેચરલ ગેસથી અંદાજે 20 રૂપિયા સસ્તા પડતા પ્રોપેનનો વપરાશ વધાર્યો હતો.મહત્વનું છે કે, પ્રોપેનનો વપરાશ વધતા ગુજરાત ગેસના નેચરલ ગેસની દૈનિક ખપતમા 55થી 60 લાખ ક્યુબીક મીટરનું  તાતિંગ ગાબડું પડતા ગુજરાત ગેસ દ્વારા ઓગસ્ટ મહિનો પૂરો થવા છતાં પણ હજુ સુધી સપ્ટેમ્બર મહિનાની ડિમાન્ડ લિંક મોકલવા કે નવા એમજીઓ કરવાની તસ્દી લીધી નથી.

હાલમાં અમેરિકાથી મોટા પ્રમાણમાં એલએનજીની આયાત થતી હોવા છતાં પણ ભારત સરકારની આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ કંપનીએ પણ પ્રોપેન સપ્લાય માટે સપ્ટેમ્બર મહિનાના ભાવ અંગે કોઈ ફોડ ન પાડતા હવે સિરામિક ઉદ્યોગકારો માટે સસ્તા પ્રોપેનના વિકલ્પ સામે પણ પ્રશ્નાર્થ ખડો થયો છે. પ્રશ્નનો હલ મેળવવા માટે ઉદ્યોગકારો ગાંધીનગર દોડી ગયા હતા. ગેસના ભાવ મુદ્દે કાયમી અને નક્કર ઉકેલ લાવવા માગણી ઉઠી છે.

મોડી રાત સુધીમાં ગુજરાત ગેસના સપ્ટેમ્બર મહિનાના ભાવ નક્કી થશે

ગુજરાત ગેસ કંપનીના સૂત્રો અને અગ્રણી સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિને 25 તારીખ આજુબાજુ ગુજરાત ગેસ કંપની આગામી મહિનાના વપરાશ માટે લિંક મોકલી ડિમાન્ડ મુજબ ગેસના ભાવ નક્કી કરતી હોય છે પરંતુ હોર્મુઝ સંકટને કારણે તેમજ ઓગસ્ટમાં નેચરલ ગેસના વપરાશમાં પડેલા ગાબડાને કારણે 31 ઓગસ્ટના મોડીરાત સુધીમાં લિંક પણ મોકલી નથી અને ભાવ પણ નક્કી નથી કર્યા.જો કે, મોડી રાત સુધીમાં ગુજરાત ગેસ કંપની ભાવ જાહેર કરનાર હોવાનું સુમહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.

ઉધોગકારોના જણાવ્યા મુજબ જો આગામી સપ્ટેમ્બરમાં ગેસ ના ભાવ માં કેસ કંપની દ્વારા વધારો કરવામાં આવશે તો હાલ મંદી ના માહોલ માં ઉધોગને ચલાવા મુશ્કેલ બનશે ફરી સિરામિક ઉદ્યોગ ને તાડા મારવાની નોબત ન આવે તેનું ગેસ કંપની સરકાર ધ્યાન આપે ને હાલ આ ગેસ ના ભાવ માં ગેસ નો વપરાશ દિન પ્રતિદિન ઘટતો જાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક