• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

વરસાદની મોટી ખાધ, ખરીફ વાવણીમાં અઢી ટકાનો ઘટાડો ખેડૂત ઝંખે પાણી: વરસાદના એક મહિનાના વિરામથી ખેતી મુશ્કેલીમાં

રાજકોટ, તા.1 (ફૂલછાબ ન્યૂઝ): ખરીફ પાકના વાવેતરમાં અઢી ટકાની ખાધ રહી ગઇ છે. ચોમાસાના વિલંબ અને અનિશ્ચિતતાને લીધે મોસમના આરંભથી મોટી ખાધ વાવણીમાં પડી હતી હવે તે હળવી થતી જાય છે. જોકે હવે ચિંતા વરસાદની છે. ચોમાસું અત્યંત નબળું ઠરી રહ્યું હોય તેમ અનેક તાલુકા પાણીની તંગીમાં સપડાતા જાય છે. ખરીફ પાક વાવ્યા પછી પિયતની ચિંતા છે ત્યારે હવે વરસાદના અંતિમ દિવસોમાં મેઘમહેર થાય તેવી પ્રાર્થના ખેડૂત વર્ગ કરી રહ્યો છે. છેલ્લે 2 ઓગસ્ટના દિવસે સાર્વત્રિક થોડો ઝાઝો વરસાદ પડયો હતો. જોકે એ વાતને એક મહિનો વિતી ગયો છે. હવે પિયતના પાણી ખૂટી રહ્યા છે.

ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા વાવણીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. એ અઢી ટકાની ખાધ બતાવે છે. પાછલા વર્ષે ઓગસ્ટના અંતે 82.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. જે આ વર્ષે 80.39 લાખ હેક્ટર સુધી સિમિત રહ્યું છે. મગફળી જેવા મુખ્ય પાકનું વાવેતર ઘટ્યું છે. એ જ રીતે તલનું ઘટયું છે. એરંડા, મગ, મઠ, બાજરી, મકાઇના વાવેતર નબળાં થયા છે. જોકે તુવેર, કપાસ, ડાંગર, સોયાબીન જેવા પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે.

અલબત્ત, વાવણીની કામગીરી પૂરી થઇ જવા આવી છે. હવે બે અઢી લાખ હેક્ટર કરતા વધારે વાવણી વરસાદ ન પડે તો મુશ્કેલ છે. વરસાદ પડે તો એરંડા વવાશે તેમ અભ્યાસુઓ કહે છે. કૃષિ વિભાગે એરંડાનું વાવેતર 5.29 લાખ હેક્ટર નોંધ્યું છે. જે ગયા વર્ષમાં 5.94 લાખ હેક્ટર હતુ. સપ્તાહમાં આશરે 56-57 હજાર હેક્ટર જેટલો વધારો થયો છે. એરંડામાં તેજી છે એટલે વાવેતર વધારે થવું જોઇતું હતું પણ ખેડૂતોને પાણીની સમસ્યા છે.

તુવેરનું વાવેતર ગુજરાતાં ખૂબ સારું રહ્યું છે. તુવેર ગુજરાતમાં આંતરપાક તરીકે લેવામાં આવે છે. જેનો વિસ્તાર 3.12 લાખ હેક્ટર રહ્યો છે. જે પાછલા વર્ષમાં 2.80 લાખ હેક્ટર હતો. વાવણી સરેરાશ કરતા 22 ટકા વધારે છે. એક સપ્તાહમાં 40 હજાર હેક્ટર કરતા વધારે ઉમેરો થયો છે. તુવેર આંતરપાક તરીકે લેવામાં આવતી હોય છે એટલે ખેડૂતોને બે પાકનો ફાયદો મળે છે. જોકે અત્યારે બધા જ ખેડૂતોને વરસાદ સિવાય કોઇ બાબતમાં દિલચશ્પી નથી. ગવારનું વાવેતર 49,249 હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષમાં 47,619 હેક્ટરમાં રહ્યું હતુ. ડાંગરનો વિસ્તાર 9.01 લાખ હેક્ટર રહ્યો છે. જે ગયા વર્ષમાં 8.80 લાખ હેક્ટર હતો. પાછલા સપ્તાહમાં ડાંગરની રોપણી વધારે થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક