• મંગળવાર, 02 જૂન, 2026

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી - જમાઈનું જામનગર વનતારામાં ભવ્ય સ્વાગત

વનતારા ખાતે જ રાત્રી રોકાણ

જામનગર, તા.1: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેના પતિ માઈકલ બોલોસ ભારત પ્રવાસે છે. દરમિયાન આજે સવારે જેસલમેરથી ખાસ વિમાન મારફત જામનગર એરપોર્ટ આવી પહોંચતા એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત બાદ કારના વિશાળ કાફલા સાથે તેમને વનતારા લઈ જવાયા હતા. વનતારા ખાતે રિલાયન્સ અંબાણી પરિવાર દ્વારા બંનેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ટિફની ટ્રમ્પ તેમના પતિ માઈકલ બોલોસને જામનગર એરપોર્ટ પર રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ અને અન્ય સિક્યોરીટીની 50થી વધુ કારનો કાફલો આવી પહોંચ્યો હતો, જે વનતારા સુધી તેની સાથે ગયો હતો. આ પ્રવાસ દરમિયાન ટિફની ટ્રમ્પ અને તેમના પતિ વનતારા ખાતે જ રાત્રી રોકાણ કરશે. તેઓ એશિયાના સૌથી મોટા વાઇલ્ડલાઇફ ક્નઝર્વેશન, રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન પ્રોજેક્ટની વિગતવાર મુલાકાત લઈ વન્યજીવોના સંવર્ધન માટે થઈ રહેલી કામગીરી નિહાળશે. જેસલમેરથી ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા જામનગર આગમન આજે સવારે ટિફની ટ્રમ્પ, માઈકલ બોલોસ અને તેમના સાથીઓ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેસલમેર સિવિલ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાર બાદ, ખાસ ચાર્ટર વિમાન દ્વારા જામનગર માટે રવાના થઈ હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર રહી.

ભારતની તેની મુલાકાત દરમિયાન, ટિફની ટ્રમ્પે દિલ્હીના અક્ષરધામ મંદિર, આગ્રાના તાજમહેલ અને રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત પ્રખ્યાત સોનાર કિલ્લાની મુલાકાત લીધી. તેણીએ આ સ્થળો પરના પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા.વનતારામાં બંને વન્ય પ્રાણીઓ નિહાળશે સાથે રાત્રી રોકાણ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક