ચીનનાં દબાણ વચ્ચે કૂટનીતિક કવચ તૈયાર કરવાનાં મ્યાંમાર સરકારનાં પ્રયાસ
નવી દિલ્હી, તા.1: ભારતનો પાડોશી
દેશ મ્યાંમાર હવે ચીનને છોડીને ભારત સાથે નજદીકી વધારવાનાં પ્રયાસમાં છે. જેનાં ભાગરૂપે
ભારતનાં પ્રવાસે આવેલા મ્યાંમારનાં રાષ્ટ્રપતિ અને જુંટા પ્રમુખ યુ મિન આંગ હાઈંગ આજે
રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતાં અને ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય
બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બન્ને દેશ માટે તો મહત્ત્વની હતી જ પણ ચીન માટે તેમાં
એક ગર્ભિત સંદેશ પણ હતો.
તેમની આ યાત્રા મ્યાંમારનાં જુંટા
પ્રમુખ માટે સંજીવની માનવામાં આવે છે. 2021માં સત્તા સંભાળ્યા બાદ કોઈપણ મોટા લોકતાંત્રિક
દેશનાં સર્વોચ્ચ નેતા સાથે આ તેમની પહેલી મુલાકાત છે. આટલું જ નહીં ચાલુ વર્ષની શરૂઆતમાં
દેશનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. બન્ને નેતાઓ વચ્ચે
ભારત-મ્યાંમારની ભાગીદારી, સીમા સુરક્ષા અને ક્ષેત્રમાં સ્થિરતા સહિતનાં અનેક મહત્ત્વનાં
અને સંવેદનશીલ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
તેમની આ ભારત યાત્રા ચીન માટે
સીધો કડક સંદેશ પણ છે. ચીન એકબાજુ મ્યાંમારનાં પોતાનાં આર્થિક કોરિડોર (સીએમઈસી) માટે
જુંટા સરકાર ઉપર દબાણ કરી રહ્યું છે અને બીજીબાજુ મ્યાંમારનાં વિદ્રોહી જૂથોને હવા
પણ આપે છે. આ સંજોગોમાં મ્યાંમારનાં રાષ્ટ્રપતિ ચીનનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા
માટે ભારત સાથે મળીને કૂટનીતિક કવચ તૈયાર કરવાના પ્રયાસ કરતાં હોય તેવું જોવા મળી રહ્યું
છે.