વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા : નલિયામાં પારો 10 ડિગ્રીની નીચે
સરક્યો
અમદાવાદ,
તા.13 : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ફૂલગુલાબી ઠંડી પડી રહી છે. અમદાવાદ, વડોદરા,
ગાંધીનગર સહિત અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 12થી 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું
છે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં
અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
અને શીતલહેરની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર છે.
જો કે, શિયાળામાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં
ઠંડી વધે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શિખર પર પહોંચે છે, પરંતુ આ વર્ષે વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સ અને અન્ય પરિબળોને કારણે ઠંડીના દિવસો ઓછા રહી શકે છે. હવામાન વિભાગની
આગાહી અનુસાર, ગુજરાતમાં બેવડી ઋતુ યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી નીચું
કચ્છ જિલ્લાના નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના લીધે નલિયા અને તેની આસપાસ
લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. હવામાન
વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ બાદ લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો
થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી
છે. જોકે હાલ પવનની દિશા પૂર્વીય તરફ થતા ઠંડીનો અનુભવ છે.
જૂનાગઢમાં
આજનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં
લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી અને ગુરૂત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું.