• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું

પિતા-પુત્ર  સહિત 3 સામે છેતરાપિંડીનો ગુનો દાખલ: ત્રણેય આરોપીઓ દુકાન બંધ કરી ફરાર

અમદાવાદ, તા.13 : અમદાવાદના કાપડ બજારમાં વેપારીઓ સાથે ઉઠમણાં અને છેતરાપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં કાંકરિયા વિસ્તારમાં કાર્યરત ‘જય શ્રી ક્રિએશન’ નામની પેઢીના સંચાલકોએ કાપડના વિવિધ વેપારીઓ પાસેથી ઉધારીમાં માલ ખરીદી, સમયસર નાણાં ન ચૂકવીને કુલ રૂ. 3.83 કરોડની છેતરાપિંડી આચરતા પોલીસ ફરિયાદ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાના ચિલોડા વિસ્તારમાં રહેતા અને નારોલ ખાતે ‘કે. એમ. પ્રિન્ટ’ નામની ભાગીદારી પેઢી ધરાવતા વેપારી વિશાલભાઈ દીપકભાઈ ઇસરાનીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કાપડ દલાલ અભિષેક પ્રિતમાની મારફતે તેઓ કાંકરિયા ખાતે દુકાન ધરાવતા આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ અજય મહેશકુમાર સુખીયાની, સન્ની મહેશકુમાર સુખીયાની અને મહેશકુમાર સુખીયાનીએ શરૂઆતમાં વેપારીઓનો વિશ્વાસ જીતવા પેમેન્ટ નિયમિત કર્યું હતું.

આરોપીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ,17 મે થી 6 ઓગષ્ટના ટૂંકા ગાળામાં વિશાલભાઈની પેઢી પાસેથી રૂ. 1,16,00,537ની કિંમતનું લેડીઝ ડ્રેસ મટીરીયલ ઉધારીમાં ખરીદ્યું હતું. જેમાંથી ટુકડે-ટુકડે માત્ર રૂ. 38,21,380 ચૂકવ્યા હતા. બાકી નીકળતી રૂ. 77,79,157ની રકમ માટે આપેલા 28 જેટલા ચેક પણ બેંકમાંથી રિટર્ન થયા હતા.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ત્રિપુટીએ માત્ર ફરિયાદી જ નહીં પરંતુ બજારના અન્ય સાહેદ વેપારીઓને પણ નિશાન બનાવ્યા હતા. તા.  11 નવેમ્બર 2024 થી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી, કુલ રૂ. 3,83,31,763ની છેતરપીંડી આચરી છે.

કરોડો રૂપિયા છેતરપીંડી કરી ત્રણેય આરોપીઓ પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયા છે.  વેપારીની ફરિયાદના આધારે પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક