(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ
તા.29 : ગોંડલ તાલુકાના રીબડાના અતિ ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો
છે આત્મહત્યા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે જેમાં 4 પેજ પૈકી
ચોથા પેજના અક્ષર મૃતકના અક્ષર સાથે મેચ ન થતા હોવાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે જે
તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો છે આ રિપોર્ટથી આખો કેસ અન્ય
દિશામાં તબદીલ થઇ જશે રીબડાના અનિરૂધ્ધાસિંહ અને તેના પુત્રને તો રાહત થશે જ સાથોસાથ
મેચ નહિ થયેલા અક્ષરવાળું ચોથું પેજ કોણે લખ્યું તે પણ તપાસનો વિષય બની રહેશે.
રાજકોટ
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 31 મે ના રોજ એક સગીરાએ રીબડા રહેતા અમિત ખૂંટ સામે દુષ્કર્મની
ફરિયાદ નોંધાવી હતી રાજકોટ પોલીસ જેને શોધતી હતી તે અમિતે બે દિવસ બાદ રીબડા સ્થિત
પોતાની જ વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા દોડી ગયેલી
ગોંડલ તાલુકા પોલીસને ચાર પેજ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં રીબડાના અનિરૂધ્ધાસિંહ
જાડેજા, તેના પુત્ર રાજદીપાસિંહ જાડેજા, દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા સહિતના નામોનો
ઉલ્લેખ હોય મૃતકના ભાઈ મનીષની ફરિયાદ પરથી અમિતને મરવા મજબુર કરવા અંગે પોલીસે ગુનો
નોંધી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે કબ્જે કરેલી સ્યુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ
ચોંકાવનારો આવ્યો છે જેમાં ચાર પૈકી ચોથું પેજ જેમાં નામ લખેલા હોય તે મૃતકના અક્ષર
સાથે મેચ ન થતા હોવાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે જેથી આ પેજ કોણે લખ્યું તે પણ તપાસનો
વિષય બની ગયો છે આ અંગે ગોંડલ તાલુકા પીઆઇ એ ડી પરમારે જણાવ્યું હતું કે રિપોર્ટ આવી
ગયો છે જે કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો છે હવે કોર્ટ રિપોર્ટ તૈયાર કરનાર એફએસએલ અધિકારીને
બોલાવી રિપોર્ટ અંગેના તથ્યો જાણીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.