• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નવું વરસ, નવી આશાઓ

સમય, સમયની રીતે વહે છે. આપણે તેને કેલેન્ડરમાં કેદ કર્યો, ઘડિયાળમાં મૂક્યો પરંતુ તે નિરંતર છે. કાળ તેનું કામ કર્યે જાય છે તેના માટે બધા દિવસ, બધી રાત, બધા સ્થળ સરખાં છે. કોઈ ઘટના-દુર્ઘટના માનવીય નિશ્ચયને આધીન કે આધારિત નથી. છતાં મનુષ્યે બનાવેલી પરંપરા અને માન્યતાઓ દૃઢમૂળ થઈને જીવી રહી છે. વિક્રમ સંવતનું નવું વર્ષ આરંભાઈ રહ્યું છે ત્યારે ફરી ‘સાલ મુબારક’, ‘હેપી ન્યૂયર’, ‘નૂતન વર્ષાભિનંદન’ના સંદેશા વહેશે. હવે તો ટેક્નોલોજીના સહારે આ ઉજવણી વૈશ્વિક બની છે. આ નવાં વર્ષ પાસે આપણી જૂની આશા, અપેક્ષા, અરમાનો હોવાના જ.

વિતેલો સમય કપરો હશે, કશુંક ગુમાવ્યું હશે, કશુંક છૂટયું હશે તેના વસવસા સાથે નવા વર્ષના વધામણા આપણે કરી રહ્યા છીએ. ગુજરાતીઓ માટે આ નવું વર્ષ છે. આપણા આર્થિક સહિતના વ્યવહારો તો જાન્યુઆરીથી ડિસેમ્બરના વર્ષમાં જ થાય. છતાં આ નવા વર્ષનું માહાત્મ્ય આપણને છે. વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનું આ ટાણું છે. ગયું, 2082નું વર્ષ થોડું કપરું હતું. યુદ્ધ ભલે આપણી ધરતી ઉપર નહોતું પરંતુ તેની અસર આપણા દેશને, પ્રજાને પણ થઈ. ક્રુડના વધેલા ભાવને લીધે મોંઘવારીમાં વધારો થયો. યુદ્ધની અસર આપણા અર્થતંત્રને થઈ, હજી તે ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઓછો વરસાદ પડયો. કૃષિક્ષેત્ર ઉપર માઠી અસર થઈ છે. વરસ નબળું છે તેવું હવે નક્કી છે.

ખરીફ પાકનું ઉત્પાદન ઓછું છે, પાણી નથી તેને લીધે હજી બે માસ પછી પડકાર કદાચ વધારે મોટો હશે. નાની મોટી દુર્ઘટનાઓ પણ બનતી રહી છે. આ તમામ બાબતો આખરે કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. નવા વર્ષના સૂર્યની લાલિમા ક્ષિતિજ ઉપર દેખાઈ રહી છે. પરમતત્વ પાસે એ અપેક્ષા છે કે યુદ્ધ વિરામ પામે. દેશની એક્તા-અખંડિતતા અક્ષુણ્ણ રહે. વિદ્યાર્થીઓ- નવી પેઢીને આ વર્ષ દરમિયાન જે મુશ્કેલી થઈ તે ન થાય. રાજકીય, સામાજિક આર્થિક ક્ષેત્રે જે પડકારો આજે છે તેમાંથી ગુજરાતની-દેશની જનતા પાર ઉતરે. અલબત્ત, નિયતિને બધું આધીન છે. જે કંઈ થાય છે તે જ થાય છે છતાં આપણને દર વર્ષે આવી આશાઓ જાગે છે.

વિજ્ઞાન- એઆઈ સ્વરુપે વધારે આગળ વધી રહ્યું છે તેની સકારાત્મક બાબતોનો પૂર્ણ સ્વીકાર કરીને માનવીય મૂલ્યો અને સંવેદનાની અવગણના કર્યા વગર આગામી સમયમાં જીવવાનું છે. આવતું વર્ષ સૌ માટે સુખ પ્રદાન કરનારું નિવડે તેવી અભ્યર્થના આજના દિવસની ઉક્તિ હોઈ શકે. બાકી તો આપણા શાત્રમાં પણ આખરે કહ્યું છે, ‘એવં જ્ઞાત્વા મહાદેવી, યથા યોગ્યં તથા કુરુ.’

ઇ-પેપરના નવા શુલ્ક