• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

વીજળી વેરણ થઈ

દિવાળીમાં દીવડા પેટાવવાની તૈયારી કરી રહેલું ગુજરાત અત્યારે અચાનક ગંભીર વીજ કટોકટીના સંકટનો સામનો કરી રહ્યું છે. ઊર્જાની અછત અત્યંત ચિંતાજનક રીતે વધી ગઈ છે, વીજકાપ મૂકવાની ફરજ રાજ્ય પ્રશાસનને પડી રહી છે. સરકાર સામે પડકાર છે. જન ગણની પણ આ કસોટી છે સાથે જ વીજ વપરાશ નિયંત્રિત કરવાની અઘરી પડે તેવી એક જવાબદારી પણ પ્રજા ઉપર આવે તેમ છે. ગુજરાતમાં વીજળીની માગ અચાનક 29,822 મેગાવોટે પહોંચી ગઈ છે જે ગત વર્ષની સરખામણીમાં 36 ટકા વધારે છે. સરકારે ગ્રીડ સંચાલન અને વીજ ખરીદી માટેની સક્રિયતા દર્શાવી છે. વીજ વપરાશના પીક અવર્સ એટલે કે જ્યારે સૌથી વધારે વીજળીનો ઉપયોગ થાય તે સાંજે 5 થી 11 વાગ્યા વચ્ચે બિનજરુરી વીજ વપરાશ ટાળવાથી સ્થિતિમાં થોડો ફેર પડી શકે.

સતત વધતી ગરમી, ઓક્ટોબરમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાનને લીધે એ.સી., પંખાનો ઉપયોગ વધ્યો છે. કૃષિક્ષેત્રે પણ સિંચાઈ માટે વીજળીની જરુરતમાં વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની વીજમાંગમાં વધારો થયો છે.  તહેવારોને લીધે ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો થયો છે. મોરબી, રાજકોટના ઉદ્યોગોમાં વીજમાગ વધી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની ક્ષેત્ર અંતર્ગતના 12 જિલ્લામાં વીજમાગ 11500 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.  મુન્દ્રા- સિક્કા જેવા થર્મલ પાવર પ્લાન્ટ્સમાં આયાતી કોલસાની સપ્લાય ચેઈનમાં પડેલા વિક્ષેપને લીધે સ્થાનિક વીજ ઉત્પાદનમાં ઘટ ઊભી થઈ છે. આ સામાન્ય વાત નથી. વીજ પુરવઠો થોડા સમયમાં પૂર્વવત્ થઈ જાય તો પણ જે સ્થિતિ અત્યારે વીજકાપને લીધે ઉદ્ભવશે તેની અસર દૂરોગામી રહેશે. વીજકાપ અનિવાર્ય બને તો રાજ્યના નાના-મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓની ઉત્પાદનક્ષમતા ઉપર વિપરિત અસર પડી શકે. જેનાથી આર્થિક ચક્ર ધીમું પડી શકે. આમ પણ આ વર્ષે ઓછા વરસાદ, યુદ્ધ સહિતની વૈશ્વિક સ્થિતિની અસર વેપાર-ઉદ્યોગ ઉપર પડી છે. ખેતી આ વખતે અપૂરતા વરસાદને લીધે અસરગ્રસ્ત છે જ. વીજ સંકટ ઘેરાય તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતો વીજ પુરવઠો મળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે, વીજ વપરાશ ઉપર અંકુશ અનિવાર્ય છે અન્યથા પાવરગ્રીડ ઉપર અણધાર્યો બોજ આવી શકે તેમ છે. ટ્રિપીંગ કે બ્લેકઆઉટ જેવી સંભાવનાઓ પણ છે જો કે સરકાર-વીજ પ્રશાસને આ મુદ્દે તૈયારી આરંભી છે. વીજસંકટ પડકાર છે. સરકારે પોતાની ભૂમિકા નિભાવવાની જ છે. સામે નાગરિકોએ પણ વીજ ઉપયોગમાં નિયંત્રિત રીતે વર્તવાનું છે. સૌર ઊર્જા સહિતના વૈકલ્પિક સ્ત્રોતનો વ્યાપ વધે તે પણ જરૂરી છે અને જાગૃતિ પણ આવશ્યક છે. અત્યારે તો આ આવી પડેલી સ્થિતિનો ઉકેલ કેમ લાવવો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક