• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

તહેવારો ઉપર નિરાશાના પડછાયા

સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય તે જન્માષ્ટમી પર્વ આંગણે આવ્યું છે. સોમવારે બોળ ચોથથી આ પરંપરાગત ઉત્સવ શૃંખલાનો આરંભ થશે. અલબત્ત જન ગણના મનમાં ઉત્સાહ છે. કૃષ્ણ ભગવાનના પ્રાગટયના ઉત્સવમાં ધર્મ છે, સામાજિક પરિપ્રેક્ષ્ય પણ છે અને અર્થકારણ પણ છે. તૈયારી તો આરંભાઈ ગઈ છે. મેળા પણ થશે અને સૌરાષ્ટ્રમાં દ્વારિકા, ઉત્તર પ્રદેશમાં મથુરા-વૃંદાવનમાં ભગવાનનો જન્મોત્સવ પણ થશે જ. ઉત્સાહ તો છે પરંતુ આ વર્ષે આ પર્વ ઉપર નિરાશાના ઓછાયા પણ છે. આખા દેશમાં ઉજવણી થશે પરંતુ કેટલીક ચિંતાઓ સાર્વત્રિક છે.

ઈરાન-અમેરિકાના યુદ્ધને છ માસ થઈ ગયા. કોઈ નિવેડો નથી આવતો યુદ્ધને લીધે વધેલા ઈંધણના ભાવ યથાવત્ છે. તેની અસર દેશના અને ઘરના અર્થતંત્ર ઉપર થઈ છે. નેપાળમાં અતિ વિકરાળ કુદરતી આફત આવી છે. જેમના કોઈ સંબંધી, કોઈ સગા ત્યાં નથી તેમની પણ સંવેદના ઘવાઈ છે. રાજકીય રીતે ભલે નેપાળ ભારતનો સહયોગ-સહાય લેવાનો ઈનકાર કરે છે પરંતુ ભારતના લોકોની સહાનુભૂતિ કે ચિંતા માનવતાના ધોરણે તો ત્યાંની પ્રજાની સાથે છે. ભારત સરકારે પણ નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને પુનરાગમન માટે સઘન કાર્યવાહી કરી છે. નેપાળની દુર્ઘટના સમાન્ય નથી. ભાવિ સ્થિતિ અને ઝડપથી નકારાત્મક રીતે બદલાઈ રહેલા હવામાનનો સનસનીખેજ સંકેત છે.

ગુજરાતમાં આ વર્ષે વરસાદની અછત છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં તો સરસ વાવણી થઈ ગઈ હોય, ખેતર અને ખેડુતોના હૈયાં બન્ને છલકાતાં હોય તેને બદલે વરસાદ અપૂરતો છે. પાકનું ચિત્ર ધૂંધળું છે. જન્માષ્ટમી મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારનો તહેવાર છે. ત્યાં આ વર્ષે ચિંતા વધારે છે. કૃષિ ઉત્પાદનની અસર વસ્તુઓના ભાવ ઉપર પડી છે. ગયા સપ્તાહે ખાંડનો ભાવ વધ્યો હતો પછી ગોળ અને ડુંગળી પણ મોંઘા થયાં હતા. મોંઘવારી અને તહેવારને સંબંધ તો ખરો. તેલની કિંમત થોડા સમય પુર્વે વધી હતી. ખાંડનો ભાવ વધારો થોડો અકલ્પનીય રહ્યો. સરકારે જો કે નિયંત્રણ માટે તરત પગલાં ભર્યાં તે વાત જુદી છે. આ તમામ સંજોગો એવા છે જે તહેવારની ઉજવણી ઉપર થોડા અંશે અસર તો કરે. સંપન્ન લોકો હોય તેમની વાત અલગ છે પરંતુ મધ્યમ વર્ગ, નોકરિયાત કે શ્રમિકોએ તો સંતુલિત આયોજન કરવું પડે. આ વર્ષનું પર્વ ચિંતા અને નિરાશાના પડછાયાવાળું છે. હજી જો કે ચોમાસું વિત્યું નથી, પ્રભુ પ્રાગટયના દિવસે જ પ્રભુ પધારે તો સૌરાષ્ટ્રના ખેડુતો-લોકોની ચિંતા દૂર થાય.

ઇ-પેપરના નવા શુલ્ક