• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

યુવાનો ઉપર વારી ગયા વડાપ્રધાન

આખા દેશમાં ચર્ચાનો મુદ્દો જેન ઝી તરીકે ઓળખાતો યુવાવર્ગ છે, પેપર લીક આંદોલન પછી પણ સોશિયલ મીડિયા ઉપર હજી પણ આની જ ચર્ચા છે તે વેળાએ સ્વતંત્રતા પર્વના પોતાના પ્રવચનમાં વડાપ્રધાને યુવાનો-િવદ્યાર્થીઓ માટે કરેલી પાંચ મહત્વની જાહેરાતો ઘણી સૂચક- સમયસૂચક છે. યુવાનો દેશનું ભવિષ્ય છે, દેશની ધરોહર છે તેવું વડાપ્રધાન અને વર્તમાન સરકાર માને છે તેવો વિશ્વાસ અપાવવાનો તેમાં પૂર્ણ પ્રયાસ છે. યુવાનોમાં ફાટી નીકળેલા રોષ પછી અવારનવાર વડાપ્રધાને પોતાના મનની વાત વિવિધ માધ્યમો દ્વારા કરી. લાલ કિલ્લાની પ્રાચીર તેમાંનું સર્વોચ્ચ માધ્યમ કહી શકાય.

 15મી ઓગસ્ટના જનલક્ષી સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આગામી એક વર્ષની અવધિમાં દેશના એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કૌશલ્યની તાલીમ અપાશે. ઓનલાઈન કાચિંગ  ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અપાશે અને તે વિનામૂલ્યે હશે. ઓલિમ્પિકના રમતોત્સવ એક દાયકા બાદ ભારતમાં યોજવાની તૈયારી છે ત્યારે 5 થી 15 વર્ષના બાળકોમાંથી રમત પ્રતિભા શોધવાનું અભિયાન છેડાશે. નવા વિચારો, સંશોધન યુવાનો કરી શકે તે માટે 1 લાખ કરોડનું વિશેષ ફંડ ફાળવવા તેમણે ખાતરી આપી સાથે જ અત્યંત અગત્યની વાત એ કરી કે યુવાનો નશામુક્ત રહે તે માટે 100 દિવસની

ઝુંબેશ ચલાવાશે.

વડાપ્રધાનના આ વક્તવ્ય પછી તરત જ તેના વિશ્લેષણ શરૂ થવા સ્વાભાવિક છે. વડાપ્રધાને દિમાગી નક્સલ શબ્દપ્રયોગ કર્યો જેની સૌથી વધારે ચર્ચા છે, તેમણે કહ્યું કે શસ્ત્રવાળા નક્સલવાદી સમાપ્ત થઈ ગયા પરંતુ દિમાગી નક્સલ દેશમાં છે જેઓ નકારાત્મકતા અને અરાજકતા ફેલાવે છે, યુવાનોને તેમણે આવા તત્વોથી દૂર રહેવા આહ્વાન કર્યું. સમગ્ર પ્રવચન ફક્ત યુવાલક્ષી જ હોય તેવું કદાચ પહેલીવાર બન્યું છે. દિલ્હીમાં જંતર મંતર પાસે ચાલેલાં આંદોલન પછી દેશમાં એક વાતાવરણ બંધાયું હતું, ઝારખંડમા ભાજપની સરકાર નથી તેની સામે પણ યુવાનો રોષે ભરાયા છે રાજકીય પક્ષો એકમેકના વાંક જોઈ રહ્યા છે પરંતુ ચિંતા યુવાનોના પ્રશ્નોની અથવા તો તેમના આ વર્તનની થવી જોઈએ. વડાપ્રધાને આ મુદ્દાને બરાબર પારખીને પોતાનું વલણ છેલ્લા કેટલાક સમયથી રાખ્યું હોવાનું પુન: પ્રતિપાદિત થયું.

ઈન્સ્ટાગ્રામ પરના સંવાદ, પોતાને ગાળો દેનાર યુવતીને ક્ષમા કર્યા પછી વડાપ્રધાને હવે તો આઝાદીપર્વના પ્રવચનમાં યુવાલક્ષી વલણ જાહેર કર્યું. આલોચકો આ વાતને આગામી વર્ષે સાત રાજ્યોમાં આવી રહેલી ચૂંટણી અને તેમાં જેન ઝીના મતની સંખ્યા જેવા માપદંડથી મૂલવી રહ્યા છે. ક્યાંક એવો પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે કે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષાનીતિ અપનાવી તેનું શું ?

 પુનરોક્તિ કરવી પડે કે પ્રશ્ન જ્યારે રાષ્ટ્રના નાગરિકોનો કે યુવાનોનો હોય ત્યારે પક્ષ, વિચારધારા, શાસક-િવપક્ષ નહીં પરંતુ તે યુવાનો મહત્વના હોવા જોઈએ. પેપરલીકનો મુદ્દો હોય, પરીક્ષા પદ્ધતિ સુધારનું બિલ હોય કે બેરોજગારી હોય, આ મુદ્દે રાજકીય ભિન્નમતથી ઉપર ઊઠીને જ વાત થવી જોઈએ. યુવાનો-િવદ્યાર્થીઓએ જ પોતાના પ્રશ્ને કોઈ વિપક્ષ, કોઈ સંગઠનના માધ્યમ બનવાને બદલે આત્મનિર્ભર બનવું જોઈએ. વડાપ્રધાનની આ ઘોષણાને જેને જે રીતે મૂલવવી હોય તે રીતે મૂલવે, યુવાનો માટેની એક નિસબત વ્યક્ત તો થઈ છે, નાગરિક તરીકે પણ આ નિસબત એ રીતે વ્યક્ત થાય કે કોઈ બિનજરૂરી વિવાદમાં ક્યાંક યુવાનોની અવગણના સમાજ પણ કરી બેસે નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક