• મંગળવાર, 09 જૂન, 2026

વડાપ્રધાનની સુરત મુલાકાત આત્મનિર્ભરતા અને પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની સુરત મુલાકાત ‘મેક ઇન ઇન્ડિયા’ સંકલ્પના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. એટલું જ નહીં, પર્યાવરણ જતન પ્રત્યે મોટી વાતો કરવાને બદલે રાષ્ટ્ર પ્રત્યે પૂરું ગંભીર હોવાનોય સંદેશ સુરતની ધરતી પરથી વહેતો થયો છે.

મોદીએ  સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રિમોટનું બટન દબાવીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટેની 18 હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું. એ પછી હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોના પ્લાન્ટમાં કંપની દ્વારા વિકસિત સ્વદેશી શત્રો, ટેન્ક અને બીજાં સંરક્ષણ ઉપકરણોનાં ઉત્પાદન અને તેની ઇજનેરી ક્ષમતાનું નિરીક્ષણ કર્યું. અહીં એ નોંધનીય છે કે, 2047માં રાષ્ટ્રને વિકસિત બનાવવાના નિર્ધાર સાથે આગળ ધપી રહેલા વડાપ્રધાને આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવવાની અનેકવાર હિમાયત કરી છે.

ભારત પોતાની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે આજે પણ વર્ષે અબજો રૂપિયાનું આંધણ કરે છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર નીચો ઊતરી જાય છે. આ પ્રક્રિયા રોકવાનો ઉપાય એક જ છે. મિસાઇલ, ટેન્ક, રાયફલ, ગ્રેનેડ, ડ્રોન, યુદ્ધવિમાનની ટેક્નોલોજી ઘરઆંગણે વિકસાવીને મોટાપાયે ઉત્પાદન શરૂ કરવું અને એ દિશામાં ભારતે નોંધનીય સફળતા હાંસલ કરી લીધી છે.

સુરત મુલાકાત વિશ્વ પર્યાવરણ દિવસે આયોજિત થઇ હતી અને સભાનતાપૂર્વક એક પ્રેરક પહેલ એ કરવામાં આવી કે, કાર્યક્રમ સ્થળે કોઇ બેનર-પોસ્ટર લગાવવામાં આવ્યાં નહોતાં. રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સભાસ્થળ પહોંચવા માટે સાઈકલ તથા ઇ-વાહનોનો ઉપયોગ કર્યો હતો. નિગમે 450 ઇ-બસો દોડાવી હતી. વિશાળ મેદનીને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન સામેની લડાઇમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. લીલાંછમ ભવિષ્ય માટે ‘ક્લીન સિટી’ સુરતે દાખલો બેસાડયો છે. મોદીએ આ વાત કહી એના પાછળનું મજબૂત કારણ એ છે કે, જળવાયુ પરિવર્તન માટે એક સમર્પિત સરકારી વિભાગની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ભારતનો પ્રથમ સોલાર પાર્ક અને કચ્છના ખાવડા રણ ક્ષેત્રમાં હજારો એકરમાં એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક એક ઐતિહાસિક સિદ્ધિ છે. પરંપરાગત ઊર્જા અને ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોમાં મોદીએ ઇથેનોલ બ્લેડિંગ, રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ, પરમાણુ ઊર્જા, ગેસ પાઇપલાઇન નેટવર્કની પણ માહિતી આપી. હકીકતમાં ખાડી યુદ્ધને લીધે નિર્માયેલા સંજોગોમાં ઇંધણ બચાવવા સરકારના પ્રયાસો અને માર્ગદર્શનને પૂરતો પ્રતિસાદ આપવાની દેશવાસીઓની ફરજ બની રહે છે. મોદીએ પ્રકૃતિ સાથે પ્રગતિનો આપેલો મંત્ર મહત્ત્વપૂર્ણ છે.

ગુજરાત મોદીનું ઘરઆંગણું છે અને પોતીકા લોકો વચ્ચે આવે ત્યારે વડાપ્રધાનનો મિજાજ નોખો હોય છે. તેમણે વિરોધપક્ષો, ખાસ તો કોંગ્રેસને નિશાન બનાવતાં કહ્યું કે, જ્યાં કોંગ્રેસનું શાસન છે. એ રાજ્યો મુશ્કેલીમાં છે. દેશની જનતા ક્યારેય અરાજકતા, અનિશ્ચિતતા અને નકારાત્મકતા પસંદ નથી કરતી. એકંદરે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ માત્ર માળખાંકીય વિકાસ પૂરતો જ મર્યાદિત નહોતો. બલ્કે વિકસિત ભારત,  વિકસિત ગુજરાતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ દર્શાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક