• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

પ્રજ્જવલ રેવન્નાને આજીવન કેદ : ગંભીર અપરાધ, યોગ્ય ચુકાદો

રાજકીય લોકોને આ દેશમાં સજા થતી નથી તે વાત ફિલ્મના સંવાદ તરીકે જ નહીં, મોટા ભાગે વાસ્તવિક રીતે પણ સાચી પડતી રહે છે પરંતુ કર્ણાટકના પૂર્વ સાંસદ તથા પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્રને બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. આટલા મોટા નેતાની સામેના આક્ષેપ પુરવાર થઈ શક્યા તે સ્થાનિક તપાસનીશની સિદ્ધિ છે. જે ત્રીએ આ મુદ્દે લડત આપી તેની હિંમત અને ધૈર્ય પણ ઉલ્લેખનીય છે. સૌથી અગત્યનું એ છે કે રાજકીય પીઠબળ ધરાવતા, પોતે પણ સક્રિય રાજનીતિમાં હોવા છતાં, સાંસદ રહ્યા હોવા છતાં તેણે ક્ષમા ન થઈ શકે તેવા અપરાધની આકરી સજા વેઠવાનો વારો આવ્યો છે.

જનતાદળ સેક્યુલરના પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્ના ઉપર બળાત્કારનો આરોપ ગયા વર્ષે લાગ્યો હતો. સમગ્ર પ્રકરણ ચર્ચાસ્પદ તો હતું, ગંભીર પણ હતું. કૃષિમાં સહાયક તરીકે કામ કરતી 48 વર્ષીય મહિલા ઉપર થયેલા બળાત્કારનું વીડિયો શૂટિંગ કરવાનો આરોપ સાંસદ પ્રજ્જવલ રેવન્ના ઉપર હતો. આ વીડિયો અને અન્ય સો જેટલી મહિલાઓના અશ્લીલ દૃશ્યો 2024ના એપ્રિલમાં લોકસભાની ચૂંટણી પૂર્વે વાયરલ થયાં હતા. આ કૃષિશ્રમિકા ઉપર એકાધિક વખત બળાત્કાર કર્યાનો આરોપ પ્રજ્જવલ ઉપર હતો. ગંભીર આરોપને લીધે તેને પક્ષમાંથી પણ કાઢી મુકાયા હતા. ન્યાયાધીશ સંતોષ ગજાનને આ ચુકાદો આપતાં પ્રજ્જવલને તેમની વિરુદ્ધ લાગેલા તમામ આરોપ માટે દોષિત ઠેરવ્યા.

માધ્યમો એવું કહે છે કે ચુકાદો સાંભળીને પૂર્વ સાંસદ રડી પડયા. જો કે આવા અપરાધ પછીનું રડવું કે પસ્તાવું પણ શું કામનું? અન્ય કિસ્સાઓમાં બને છે તેમ અહીં પણ તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે. આ વાત કોઈ માને નહીં તે સમજી શકાય. અગત્યનું તો એ છે કે પ્રજ્જવલની વિરુદ્ધ આવા ચાર કેસ થયા છે તેમાંનો આ એક કેસ હતો. તેમને પ્રાકૃતિક જીવનનો શેષ સમય જેલમાં રહેવાનો આદેશ અદાલતે આપ્યો છે. બળાત્કારના કેસ તો સતત બને છે, કોલકત્તાથી લઈને આવા અનેક કિસ્સા બહાર આવ્યા. અહીં સૌથી મોટી વાત એ છે કે જેને મોટું માથું કહી શકાય તેની સામે અપરાધ પુરવાર થયા, તેને સજા થઈ.

સામાન્ય અપરાધીઓના મનમાં કાયદાનો ડર પેસે તે જરૂરી છે. આપણે ત્યાં સંપત્તિવાન લોકો તથા રાજકીય માણસો ક્યારેય કાનૂનના સકંજામાં નથી આવતા તેવી માન્યતા આ કેસના નિર્ણયને લીધે કંઈક અંશે હળવી બની શકે. ન્યાયપાલિકાની સ્વાયત્તતા, નિષ્પક્ષતા પણ અહીં ઊડીને આંખ વળગે. આદર્શ વાત તો એ છે કે આવું કંઈ બનવું જોઈએ નહીં પરંતુ બન્યા પછી આ સ્તરના આરોપીને પણ થવાપાત્ર સજા થાય તે આવશ્યક છે.

ઇ-પેપરના નવા શુલ્ક