લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે આક્ષેપો કર્યા પછી હવે ‘વોટ ચોરી’ બદલ ખુલ્લેઆમ ધમકી આપી છે કે ‘અમે તમને - ચૂંટણી પંચને છોડશું નહીં - (અમારી સરકાર આવે અને સત્તા મળે ત્યારે). ચૂંટણી પંચના જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થશે. તમે નિવૃત્ત થયા હો તો પણ - ગમે ત્યાં ખૂણામાં ભરાયા હશો તો પણ શોધી કાઢીશું’ એમ કહીને રાહુલ ગાંધીને ઉમેર્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે એક કરોડ નામ મતદાતાઓની યાદીમાં ઉમેરવામાં આવ્યાં હતાં. આ કેસની અમે છ મહિના સુધી તપાસ કરી છે અને અમારા હાથમાં હવે ‘ઍટમ બૉમ્બ’ આવ્યો છે તેનો ઉપયોગ ચૂંટણી પંચ સામે થશે!
રાહુલ
ગાંધી ઉપર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ‘પ્રભાવ’ બરાબર પડયો લાગે છે! એમનો આક્ષેપ
છે કે ચૂંટણી પંચે ભાજપના લાભમાં મતદાતા યાદીમાં વધારા કર્યા છે અને ભાજપને લાભ કરાવ્યો
છે! રાહુલ ગાંધી આવો આક્ષેપ વારંવાર કરી રહ્યા છે. ટ્રમ્પ યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો
કરે છે તે રીતે! પણ રાહુલ ગાંધીએ જાહેરમાં આવો બેફામ આક્ષેપ કર્યા પછી ચૂંટણી પંચે
એમને પત્ર લખીને આમંત્રણ આપ્યું કે આવો અને અમારા સમક્ષ બેસીને ચર્ચા કરો - પુરાવા
બતાવો - પણ રાહુલ ગાંધી પંચ સમક્ષ હાજર થયા નથી.
રાહુલ
ગાંધીની છેલ્લી ધમકી પછી મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે બેફામ આક્ષેપો અને ધમકીથી
અમે ડરતા નથી. કમિશનરે પંચના તમામ અધિકારીઓને પારદર્શિતાથી કામ પૂર્ણ કરવા જણાવ્યું
છે.
મતદારોની
યાદીની ઘનિષ્ટ તપાસ બિહારમાં પૂરી થઈ છે. ત્યારે તેની સામે વિરોધ પક્ષોએ ‘જેહાદ’ જગાવી
છે. સંસદમાં કાર્યવાહી ઠપ છે અને સંસદના આંગણે ઊભા રહીને મતદાર યાદીની ચકાસણી સામે
વિરોધ પ્રદર્શિત કરાય છે.
પણ
હવે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ધમકી જ આપી છે ત્યારે ચૂંટણી કમિશનરે માત્ર નિવેદન બહાર
પાડવાને બદલે કાનૂની કારવાઈ કરવી જોઈએ. આ ‘ધમકી’ પણ પંચની કાર્યવાહીમાં ‘દખલ’ છે અને
અધિકારીઓ ઉપર દબાણ કરીને ધાર્યું કરાવવાનો માર્ગ છે. સુપ્રીમ કોર્ટે પણ આ વિષયમાં દરમિયાનગીરી
કરવી જોઈએ. ધમકી લોકતંત્રને બચાવવા માટે છે કે - દબાણ કરવા
માટે
છે?