બે મોબાઈલ, રોકડા રૂપિયા અને મોટરસાઇકલ લૂંટીને પલાયન થઈ ગયેલા શખસો સામે ગુનો નોંધાયો
ધોરાજી, તા.1: ધોરાજીના નવીશીપ્લોટ
આદર્શ સ્કૂલની બાજુમાં રેલવે સ્ટેશન પાસે રહેતા અને મજૂરીકામ કરતા 54 વર્ષીય મનસુખભાઈ
ભીખાભાઈ ભડેલિયા દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં જેતપુરની કવિતાબેન અજયભાઈ દુધરેજિયા
અને નાની પરબડી ગામના હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી
છે. ફરિયાદી મનસુખભાઈના જણાવ્યા મુજબ, તેઓ અગાઉથી પરિચિત એવા કવિતાબેનના ફોન કરવાથી
ગુરુવારે સવારે તોરણિયા ચોકી રોડ પર પોલ્ટ્રી ફાર્મની બાજુમાં આવેલા બટુકભાઈ બાબરિયાની
વાડીએ પહોંચ્યા હતા, જ્યાં કવિતાબેન અને તેમની સાથે રહેલો હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ
ચૌહાણ હાજર હતો. આ સમયે અચાનક મહેશ અને કવિતાબેન ઉશ્કેરાઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા
અને કવિતાબેને ‘લૂંટી લ્યો આ મનસુખિયાને’ તેમ કહેતા મહેશએ મનસુખભાઈને પકડી રાખીને જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કવિતાબેને મનસુખભાઈના પેન્ટના ખિસ્સામાંથી 7,000
રૂપિયાની કિંમતનો એમઆઈ કંપનીનો મોબાઈલ, 1,000 રૂપિયાની કિંમતનો ચાઇનાનો મોબાઈલ,
500ના દરની નોટો વાળા 2,500 રૂપિયા રોકડા તેમજ તેમના હીરો હોન્ડા મોટરસાઇકલની ચાવી
કાઢી લીધી હતી. આ બનાવ બાદ ડરના માર્યા મનસુખભાઈ શરૂઆતમાં પોલીસ સ્ટેશન ગયા ન હતા,
પરંતુ ભત્રીજાના આશ્વાસન બાદ તેમણે પોલીસ મથકે પહોંચીને કવિતાબેન અજયભાઈ દુધરેજીયા
અને હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ
માટે ચક્રો ગતિમાન કર્યા છે.