• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી બે કેસ પોઝિટિવ : 18 શંકાસ્પદ

સોલા વિસ્તારમાં કેસો આવતા આરોગ્ય તંત્ર સતર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 22 : ચોમાસામાં ભેજવાળાં વાતાવરણમાં વધતા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઈ છે. તેના બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર  દોડતું થયું છે. હાલમાં આ બન્ને દર્દીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જેના પગલે બન્ને પોઝિટિવ દર્દીઓને ખાસ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા છે. વાતાવરણ સતત બદલવાનાં કારણે હાલ શરદી, ઉધરસ, તાવ સહિતના વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સોલા વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ જ્યારે શંકાસ્પદ 18 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.

સ્વાઇન ફ્લૂ ચેપી રોગ હોવાથી ખાસ કરીને વૃદ્ધો તેમજ બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતની બીમારી ધરાવતા દર્દીઓ પર આનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે. ચેપગ્રસ્ત વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય ત્યારે નીકળતાં સૂક્ષ્મ ટીપાં અથવા ચેપગ્રસ્ત સપાટીના સંપર્કથી પણ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં  ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. ખાસ કરીને બહાર ગામ કે રાજ્યના પ્રવાસેથી પરત આવેલાં વ્યક્તિમાં જો તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય ઇન્ફેક્શન ગણીને બેદરકારી ન દાખવવા તબીબોએ અપીલ કરી છે. 

સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં જોઇએ તો અચાનક તાવ અને શરદી, ગળામાં ખરાશ કે સોજો, માથા અને સ્નાયૂમાં ભારે દુ:ખાવો, થાક અને નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાનો સમાવેશ થાય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક