• બુધવાર, 13 મે, 2026

રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

જામનગર, તા.10 : જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં તે માટે મહાનગરપાલિકાએ શહેર તેમજ હાઇ વે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને રિસોર્ટોમાં વિશેષ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા તથા બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ 36 હોટલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 20 સ્થળે જરૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય હાલતમાં મળ્યા હતા. જોકે બાકીના 16 હોટલ અને રેસ્ટોરન્ટોમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂરી મંજૂરીઓ ન હોવાનાં કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર શાખાના અધિકારી અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી સંકલિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક