• મંગળવાર, 31 માર્ચ, 2026

જગતાત પર હજુ ચિંતાના વાદળો : ગુરુવાર સુધી માવઠાનું સંકટ ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, અમદાવાદ તા.30 : ઉનાળાની શરૂઆત આકરી થયા બાદ સતત હવામાનમાં બદલાવ થાય છે. માર્ચના પ્રારંભે જ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ત્યાં જ વાતાવરણ પલટાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને તોફાની પવન સાથે કરાનો વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાકને નુકશાન જતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ફરી ધીમે-ધીમે ગરમીની શરુઆત થઇ હતી ત્યાં ફીર માવઠાનું સંકટ આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને હજુ 3 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. વાદળછાયા વાતાવરણ રહેવાથી આકરી ગરમીમાં થોડી રાહત મળશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો સર્જાશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તોફાન અને વિજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની પણ અસર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક