• રવિવાર, 04 મે, 2025

1 કરોડની લોનની રકમ ઉપર મહત્તમ 5000ની સ્ટેમ્પ ડ્યુટી

સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પકડાશે તો માસિક 3 ટકાના દરે પણ-મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય : સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કરાયેલા 12 સુધારા-વધારાનો અમલ હવે, 10મી એપ્રિલથી શરુ કરાશે

અમદાવાદ,તા.8: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોમાં ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યૂટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.  સ્ટેમ્પ ડ્યૂટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલથી અમલ થશે. 1 કરોડ સુધીની લોન પર હવે મહત્તમ 5 હજાર રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટી લાગશે. બિનખેતીના કિસ્સામાં ખેડૂતોનાં વર્ષો જૂના રેકોર્ડને ધ્યાન પર લેવાતો હતો, પરંતુ હવે 25 વર્ષ કરતાં જૂનો રેકોર્ડ ધ્યાન પર નહીં લેવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે, નવી જંત્રીના દરમાં કમરતોડ વધારો ઝીંકતા મુસદ્દા પર વાંધા-સૂચનો મેળવી લીધા બાદ તેમાં મોટાભાગના અસરકર્તાઓ તરફથી ભારે વિરોધ થયા બાદ આ નવી જંત્રીનો અમલ ક્યારે, કેવી રીતે કરાશે, તેનો નિર્ણય તો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે પરંતુ સરકારે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં કરેલી સુધારા-વધારાનો અમલ 10મી એપ્રિલ-2025ના ગુરુવારથી કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવ્યાં છે. જેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આ જોગવાઈઓથી ઉધોગકારો અને હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થશે, એવી ગણતરી સરકારે રાખી છે. એવી જ રીતે, વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે. 

હવે નવી-અવિભાજ્ય જમીન પણ જૂની શરતમાં ગણાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનાં વેચાણ, તબદિલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલી શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે. મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. એ અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આને પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે-તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.

 

મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું  પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કેવી રહેશે ?

- સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જાગવાઈ કરવામાં આવી છે.

- પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ, દંડ, રૂપાંતરણ, વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.

- પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક