ગોંડલ અને તાલાલામાં આગોતરી કેરી આવે છે: દસેક દિવસમાં આવક વધશે, સ્વાદ મળશે
રાજકોટ, તા.3(ફૂલછાબ ન્યૂઝ):
કેસર કેરી હવે બજારમાં છૂટથી મળવા લાગી છે. ગોંડલ પછી તાલાલા યાર્ડમાં એક સપ્તાહથી
હરાજી શરૂ થતાં બજારમાં કેસર ખૂબ દેખાય છે. જોકે મોંઘી પેટીઓમાં પણ પાકવાની સમસ્યા
ઉપરાંત મીઠાશની ટકાવારી પણ ઓછી મળે છે એટલે મજા નથી. કેસર કેરીનો અસ્સલ સ્વાદ અઠવાડિયા
પછી મળશે તેમ વેપારીઓએ કહ્યું હતું. ગોંડલમાં એકાદ મહિનાથી કેરીની હરાજી થાય છે. જોકે
ત્યાં સોરઠ સિવાયની કેરી આવતી હતી. હવે સોરઠની કેરીની આવક વધી ગઇ છે. પાછલા શનિવારથી
તાલાલા યાર્ડમાં કેસરની હરાજી શરૂ થઇ છે. સપ્તાહ વિતી ગયું છે. કેસર કેરીનો જથ્થો બજારમાં
ખૂબ આવે છે પણ ગુણવત્તા મુદ્દે સંતોષ મળે એવી સ્થિતિ નથી.
તાલાલા માર્કેટ યાર્ડના સેક્રેટરી
રમેશ ડાંડ કહે છેકે, કેસરની આવક ધીરે ધીરે વધે છે. છતાં હજુ આવક છ હજાર બોક્સ કરતા
વધી નથી. આવકમાં દસેક દિવસમાં મોટો વધારો દેખાશે. ખેડૂતો અત્યારે આગોતરા ફાલ લઇને આવે
છે. ગરમી આકરી છે એટલે આંબે કેરી પાકશે તેની આવક હવે થશે અને એનો સ્વાદ પણ મળશે.
તેમણે કહ્યું કે, કેરીમાં કુદરતી
મીઠાશ આવે છે પણ ટકાવારી ઓછી છે. અત્યારે આવી રહેલી કેરીમાં મીઠાશની ટકાવારી સરેરાશ
6 ટકા જેટલી હોય છે. દસેક દિવસ પછી ટકાવારી વધશે 7 ટકા કે તેનાથી ઉપર જશે. આવી કેરી
સ્વાદમાં ખૂબ જ મીઠી લાગશે. સારી અને સ્વાદિષ્ટ કેસર ખાવી હોય તો દસેક દિવસ રાહ જોવી
જોઇએ. એ પછી આખો મે મહિનો અને જૂનના આરંભે વરસાદ ન થાય ત્યાં સુધી ધીમી ગતિએ કેરી આવતી
રહેશે.
તાલાલા માર્કેટ યાર્ડમાંથી પ્રાપ્ત
આંકડા પ્રમાણે રોજ સરેરાશ સાડા પાંચથી છ હજાર બોક્સ (10 કિલો)ની આવક રહે છે. હજુ બે
ચાર દિવસ આવકમાં મોટો વધારો શક્ય નથી. જોકે 10 મે પછી આવકમાં મોટો વધારો થશે. દિવસની
15-20 હજાર બોક્સની આવક પણ થઇ શકશે.યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં કુલ આવકનો આંકડો 50 હજારને
પાર 50,545 બોક્સ સુધી પહોંચી ગયો છે. યાર્ડમાં સરેરાશ ભાવ રૂ. 500થી 1100 રહ્યો છે.
કેરીના એક વેપારી કહે છેકે, મોંઘામાં
મોંઘું બોક્સ ખરીદવામાં આવે તો પણ કેરી પાકવામાં ભારે સમસ્યા થાય એવી કેસર આવે છે.
મીઠાશમાં પણ અધૂરપ લાગે છે. જાણકારો કહે છે, પ્રવર્તમાન સમયે આવતી કેરી રાઇપનીંગથી
પકવીએ તો જ એમાં પાકવાની શક્યતા રહે છે. ઘરે પાકવી મુશ્કેલ પડે છે. કેરીનો સ્વાદ માણવા
ઇચ્છતા લોકોએ અત્યારે આફુસથી ચલાવવું જોઇએ.
તાલાલા અને ગોંડલમાં અત્યારે
કેરી ખરીદવા માટે સૌરાષ્ટ્રના પ્રત્યેક શહેરના વેપારીઓએ ધામા નાંખ્યા છે. અમદાવાદ અને
વડોદરાના વેપારીઓ પણ સક્રિય થયા છે. રાજકોટની છૂટક બજારમાં વિવિધ કેરીનો ભાવ પ્રતિ
કિલો રૂ. 100થી 200 સુધીનો ચાલે છે.