હાઇવે પર કલરનું કામ ચાલુ હોવાથી વન-વેમાં ઓવરટેકને કારણે ત્રીપલ અકસ્માત સર્જાયો : થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ
અમદાવાદ, તા.3 : ગુજરાતમાં દરરોજ
અકસ્માતની કોઈને કોઈ ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ હિંમતનગરમાં સાત યુવકના મૃત્યુની
ઘટના બાદ વડાલીમાં 29 લોકો ઘાયલ થયા હતા. એવામાં ફરી સાબરકાંઠા હાઈવે પરથી ત્રિપલ અકસ્માતની
ગંભીર ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર હિંગઠીયા
ગામ પાસે બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં 5 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ
નિપજ્યાં છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર કલરનું
કામ ચાલુ હોવાથી વન-વે કરવામાં આવ્યો હતો. જેમાં ઓવરટેક કરવાને કારણે આ અકસ્માત સર્જાયો
હતો. ચાર વ્યક્તિ સહિત એક બાળકીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ખેરોજ સહિત ખેડબ્રહ્મા
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંબાજી-વડોદરા રૂટની બસને હિંગટીયા નજીક અકસ્માત નડયો
હતો. બસ, બાઇક તેમજ ખાનગી જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મૃત્યુને લઇ પરિવારોમાં
આક્રંદ ફેલાયો હતો. મૃતકોને પોસ્ટમોટર્મ અર્થે મટોડા જનરલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
હતા.
અંતરિયાળ વિસ્તારમાં વધુ એક ભયંકર
અકસ્માત સર્જાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના
સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જેમાં સાયનાભાઈ વેગડીયા રહે. ચાંગોદ, પોપટભાઈ તરાલ રહે.
છાપરા, અજયભાઈ ગમાર રહે. નાડાનો સમાવેશ થાય છે જ્યારે મંજુલાબેન બેગડીયા નામની બાળકીનું
સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમજ કેતન રવજીભાઈ રાઠોડને વડાલી રિફર કરાતા રસ્તામાં
તેનું મૃત્યું થયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને મટોડા સિવિલ બાદ હિંમતનગર સિવિલ
હોસ્પિટલ રિફર કરાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ગોઝારા
ત્રિપલ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.