• શનિવાર, 13 એપ્રિલ, 2024

‘નોટી બોય’ બન્યો આજ્ઞાંકિત

હવામાન વિજ્ઞાનનાં ક્ષેત્રમાં પકડ મજબૂત બનાવવાની દિશામાં ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ એક નવી કામિયાબી મેળવી છે. ગત તા.18મીએ સાંજે શ્રીહરિકોટાથી ત્રણ ચરણવાળા જીએસએલવીએ ઉડાણ ભર્યાની લગભગ 18 મિનિટ બાદ ઈન્સેટ-3ડીએસને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ)માં સ્થાપિત કરી દીધો હતો. આ ભ્રમણ કક્ષા પૃથ્વીથી 3પ786 કિ.મી. ઉંચાઈએ સ્થિત છે. આ ઉંચાઈએ એક સેટેલાઈટ એટલે કે ઉપગ્રહ એટલા સમયમાં જ એક ભ્રમણ પૂરું કરે છે જેટલા સમયમાં આપણો ગ્રહ પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરું કરે છે. એટલે કે પૃથ્વીનાં એક દિવસ જેટલા સમયમાં તે ભ્રમણ પૂર્ણ કરી નાખે છે. આ ભ્રમણ કક્ષા દૂરસંચાર અને હવામાન સંબંધિત ઉપગ્રહો માટે લોકપ્રિય છે. જ્યાંથી લગભગ સ્થિરતા સાથે ઉપગ્રહો પોતાનાં લક્ષ્યો ઉપર નજર રાખી શકે છે. આ ઉપગ્રહ હવામાનનાં પૂર્વાનુમાનો અને કુદરતી આફતોની ચેતવણી માટે અવલોકનો કરવા અને ભૂમિ, મહાસાગરો ઉપર નજર રાખવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે. હવામાન વિજ્ઞાન એક એવું ક્ષેત્ર છે જ્યાં ભારત માટે પ્રગતિને હજી પણ અવકાશ છે કારણ કે પોતાની ભૌગોલિક વિવિધતાનાં કારણે ભારત અનેક પ્રકારનાં પડકારો સામે ઝઝૂમતું રહે છે. આ સેટેલાઈટને તેની કક્ષામાં સ્થાપિત કરવા માટેની જવાબદારી જે વાહક રોકેટ ઉપર હતી તેને નોટી બોય કહેવામાં આવી રહ્યું છે. ઈસરોનાં એક દિગ્ગજ વૈજ્ઞાનિકે તો આ લોન્ચિંગની સફળતા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તોફાની છોકરું હવે આજ્ઞાંકિત બની ગયું છે. વાસ્તવમાં આ લોન્ચિંગ રોકેટને સચોટ બનાવવામાં અનેક સમસ્યાઓ આવી રહી હતી. આનાં કારણે તેનું હુલામણું નામ નોટી બોય પડી ગયું હતું. હવે ઈસરોએ આ તોફાની બાળકને આજ્ઞાકારી બનાવીને પણ એક મોટી સફળતા હાંસલ કરી લીધી છે. વિભિન્ન પ્રકારનાં ઉપગ્રહ વિકસિત કરવાથી પણ અનેક ગણું વધુ કઠિન ઉપગ્રહોને યોગ્ય કક્ષામાં સ્થાપિત કરવાની ક્ષમતા કેળવવી હોય છે. આ લોન્ચિંગ વાહન થકી 16મું પ્રક્ષેપણ હોવાનાં કારણે તેનું સફળ થવું પણ અત્યંત જરૂરી બની ગયું હતું. હવામાન સંબંધિત ઉપગ્રહોમાં સતત વિકાસ થઈ રહ્યો હોવાથી નવા-નવા ઉપગ્રહોને સ્થાપિત કરવાની જરૂર હતી. જેથી આગાહીઓ વધુ સટીક બની શકે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય અવકાશ વિજ્ઞાને એક લાંબી મજલ કાપી લીધી છે. બે વર્ષ બાદ ભારતનાં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને પણ પચાસ વર્ષ પૂરા થશે. તા.19 એપ્રિલ 197પનાં રોજ રશિયાએ ભારતનાં આર્યભટ્ટને તેની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યુ હતું. ત્યાર બાદથી ભારત આ યાત્રામાં દુનિયાનાં અનેક દેશોથી આગળ નીકળી ગયું છે. ભારતે વિકાસની આ ગતિને તેજ બનાવવા માટે હવે અંતરિક્ષ ક્ષેત્રમાં વિદેશી રોકાણને સરળ બનાવીને નાણાનો પ્રવાહ પણ વધુ વેગવંતો બનાવવાની તૈયારી કરી લીધી છે. આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ આસાન બનતા અવકાશી સંશોધનોમાં ભારતની ઝડપ વધવાની સાથે રોજગારનાં નવા અવસરો પણ સર્જાશે તે સુનિશ્ચિત લાગે છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક