‘નેપાળ
વિના ભારતના ધામ અને રામ અધૂરા હોય’ - એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇતિહાસ અને
સંસ્કૃતિ બન્ને દેશના મૈત્રી સંબંધને ગાઢ બનાવ્યા છે ત્યારે નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર
શાહે ભારત-નેપાળની મૈત્રીને હિમાલય સાથે સરખાવીને મહાસાગર જેવી વિશાળ હોવાનું કહીને
પ્રતિભાવ આપ્યા છે. બન્ને દેશ વચ્ચેના સંબંધમાં આવેલી કડવાશ હવે દૂર થયાના, થવાના સ્પષ્ટ
સંકેત છે.
‘પાડોશી
પહેલા સગા’ના નિયમ અનુસાર ભારતની વિદેશનીતિમાં પણ ‘પાડોશી-પ્રથમ’ છે: હવે નેપાળમાં
સત્તા પરિવર્તન પછી પણ આ દિશામાં આગળ વધીને પાડોશી દેશની સાર્વભૌમિક્તાના સન્માન સાથે
વ્યૂહાત્મક સંબંધ-ભાગીદારી જ નહીં, ભાઈચારો ગાઢ બનાવવાની ઈચ્છા નહીં - નિરધાર સ્પષ્ટ
દેખાય છે.
ભારત-નેપાળના
સંબંધ ઐતિહાસિક છે. વિશ્વનું પ્રથમ ‘િહન્દુ રાષ્ટ્ર’ ઘોષિત થયા પછી રાજાશાહીના સ્થાને
‘લોકશાહી’ આવી પણ 2025માં યુવાવર્ગ જેન-ઝીનો અસંતોષ-સામૂહિક આક્રોશ અને હિંસાચારમાં
પલટાયો અને પ્રણાલિકાગત-ચીલાચાલુ રાજકીય પક્ષોને જનતાએ જાકારો આપી યુવાવર્ગના હાથમાં
સત્તા સોંપી. રાષ્ટ્રીય સ્વતંત્ર પક્ષની બહુમતી અને બાલેન્દ્ર શાહે વડા પ્રધાનપદની
સત્તા સંભાળી - નેપાળનું નવસર્જન કરવાની જવાબદારી છે. સત્તા સંભાળ્યા પછી એમની પ્રથમ
વિદેશ યાત્રામાં ભારતની પ્રથમ પસંદગી થઈ અને ફળદાયી છે તે નોંધપાત્ર છે.
વડા
પ્રધાન મોદીએ નવી-યુવાપેઢીને મળેલા ઐતિહાસિક જનાદેશનો ઉલ્લેખ કરીને - યુવાવર્ગની આશા-અપેક્ષાનો
આ પ્રતિઘોષ હોવાનું કહ્યું છે. બાલેન્દ્ર શાહે પણ જવાબમાં કહ્યું કે નેપાળના યુવાવર્ગ
માટે હવે વિકાસના અવસરની નવી દિશાઓ ખૂલશે, નવા બજાર મળશે અને ઉદ્યોગ સાહસિકોને મૂડીરોકાણ
સાથે બિઝનેસ વધારવાના માર્ગ ખૂલશે.
તાજેતરનાં
વર્ષોમાં ભારત-નેપાળના સંબંધમાં તંગદિલી આવી હતી. ભૂતકાળમાં ધરતીકંપ વખતે મોદી સરકારે
તાત્કાલિક સહાય અને રાહતકાર્યની અૉફર કરી ત્યારે કેટલાક સ્થાનિક નેતાઓએ વિરોધ અને અસ્વીકાર
કર્યો હતો, પણ આ વર્ષે અૉગસ્ટમાં ભારે પૂર આવ્યાં. હજ્જારો જાન ગયા અને ભારે વિનાશક
નુકસાન થયું ત્યારે રાહતકાર્ય માટે પહોંચનાર ભારત હતું. આ પછી બન્ને દેશમાં સંબંધ સુધારવાની
ઈચ્છા અને આશા હતી. નેપાળના નવા શાસકો યુવાવર્ગનાં સ્વપ્ન સાકાર કરવા સક્રિય છે. નોકરી-ધંધા-રોજગાર
પૂરાં પાડવા માગે છે. વિનાશક પૂરના કારણે જાન-માલની પાયમાલી થઈ તેમાં રાહતકાર્ય તથા
ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તાત્કાલિક સહાય મોકલી હતી. 140 ટન જેટલી રાહત સામગ્રી
પહોંચાડી હતી.
ભારત
સરકારે તારાજ થયેલા વિસ્તારોના નવસર્જન માટે 3500 કરોડ રૂપિયા ગ્રાન્ટ રૂપે અને 10,500
કરોડ ક્રેડિટરૂપે આપવાની જાહેરાત કરી છે. અયોધ્યાને જનકપુર સાથે જોડતી રેલવે લાઈનનો
લાભ યાત્રિકોને મળશે. 669 મે.વૉટનો જળવિદ્યુત પ્લૉટ તથા લગભગ બે કરોડ લિટર અૉઈલ સ્ટૉરેજની
વ્યવસ્થા થશે. કંડલા અને પારાદીપ બંદરથી વ્યાપાર-ની સુવિધા અપાશે. નેપાળના નવસર્જન
માટે 1.6 બિલિયન ડૉલર-અર્થાત્ 24 હજાર કરોડ નેપાળી રૂપિયામાં અપાશે.
નેપાળના
વ્યાપાર, ટ્રાન્ઝિટ અને મૂડીરોકાણમાં ભારત સૌથી મોટું ભાગીદાર છે. ભારતના બજારમાં નેપાળનો
માલસામાન જકાત-મુક્ત છે. નેપાળની નિકાસના 80 ટકા માલ ભારતમાં આવે છે. હવે આ વ્યાપારમાં
ગણનાપાત્ર વધારો થવાની ગણતરી છે. અયોધ્યાથી જનકપુર ટ્રેન શરૂ થતાં ભારત આવતા અયોધ્યા
યાત્રીઓ માટે જનકપુરની યાત્રા સરળ બનતાં નેપાળને ટૂરિઝમનો લાભ મળશે.
નેપાળમાં
જળવિદ્યુત તંત્ર તથા ચીન સાથેના વ્યાપાર માર્ગને વિનાશક નુકસાન થયું છે અને વિશ્વ બૅન્કના
અંદાજ મુજબ એકથી બે બિલિયન ડૉલર - જરૂરી છે તેમાંથી ભારતે અત્યારે 1.6 બિલિયન ડૉલરની
ખાતરી આપી છે.
‘મોટાભા-કે
ભાઈ’ની છાપ પાડયા વિના ભારત- અન્યોન્યના માનસમ્માન જળવાય, વિશ્વાસ વધે એવું શુભેચ્છા
વાતાવરણ રાખવાની ભારતની નીતિ છે. ચીનનો વ્યૂહ અને પગલાં હંમેશાં લશ્કરી હોય છે તેથી
અગાઉની કેપી શર્મા ઓલી સરકાર તેને ઝૂકતી હતી તેથી ભારત સાથેના સંબંધ વણસ્યા હતા. અત્યારે
પણ વડા પ્રધાન બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત વખતેની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વીસ
સભ્યોનું પ્રતિનિધિમંડળ ચીનની શુભેચ્છા મુલાકાતે ગયું છે. અલબત્ત, નેપાળને રિઝવવા માટે
ચીન તેનો ખજાનો ખોલી શકે છે, પણ ભારત નેપાળનો વિશ્વાસ જીતવા માગે છે, ‘ખરીદવા’ નહીં.
નેપાળની ત્રણ કરોડ વસ્તીના વિકાસ માટે નવા શાસકો સચિંત હોય એ સ્વાભાવિક છે.