દિલ્હીની
એક હોટલમાં લાગેલી આગે 21 વ્યક્તિના જીવ લીધા છે, આશા રાખીએ મૃત્યુઆંક વધે નહીં. ઘટના
દિલ્હીની છે પરંતુ તેની જ્વાળાઓ દેશના અન્ય હિસ્સાઓમાં પણ ફેલાઈ શકે. આવા ઘાતક બનાવ
રાજધાની સિવાયના શહેરોમાં પણ બનતા આવ્યા છે. આપણી પ્રજા હોય કે પ્રશાસન, સમસ્યા એ છે
કે આવી આગ લાગે ત્યારે જ બન્ને કૂવો ખોદવા બેસે છે. હવે આ આગની તપાસ માટે એક સ્પેશિયલ
ઈન્વેસ્ટીગેશન ટીમ- એસઆઈટીની રચના થશે. તે એક રિપોર્ટ આપશે. તેના ઉપરથી એસઓપી બનશે
જેનું પાલન સૌ કોઈ માટે ફરજિયાત એવી જાહેરાત તંત્ર કરશે. પછી બધા તે ભૂલી જશે, આવો
બીજો બનાવ ન બને ત્યાં સુધી.
ફ્લોરિશ
સ્ટે નામની હોટલમાં રેસ્ટોરન્ટવાળા હિસ્સામાં આગ ફાટી નીકળી, જોતજોતાંમાં આખી ઈમારત
મહાભારતના લાક્ષાગૃહની જેમ સળગી ઊઠી, માણસો સળગવા લાગ્યા. ગૂંગળાઈ જવાથી જેમને ગભરામણ
થઈ તેમને જ્યારે પ્રાથમિક સારવાર સીપીઆર એટલે કે ફેફસાં-હૃદયનું પમ્પિંગ કરવામાં આવ્યું
ત્યારે તેમના મોઢાંમાંથી કાળો ધુમાડો નીકળ્યો. દિલ્હીમાં ઘટના બની એટલે રાષ્ટ્રીય સ્તર
પર તેની ચર્ચા થવી સ્વાભાવિક છે.નેશનલ ક્રાઈમ રેઈટ બ્યૂરોના સંદર્ભ અનુસાર કોમર્શીયલ
સંકૂલોમાં આગ લાગવાથી આખા દેશમાં 2024માં 249 લોકોના મૃત્યુ થયાં હતાં. 2023માં આ સંખ્યા
241 હતી. 2022માં 219 માણસોના જીવ આગને લીધે
ગયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો આવ્યો છે.
આમ
તો આવી દુર્ઘટનાના કારણમાં ઉતરવાની મોટા ભાગે જરૂર હોતી નથી. બિલ્ડર્સની નફાખોરીની
વૃત્તિને લીધે અગ્નિશમન વ્યવસ્થા અધૂરી અને અયોગ્ય. આગની ઘટના વખતે બહાર જવાના રસ્તાનો
અભાવ, અગ્નિશમન સુવિધા માટેની વ્યવસ્થાની ચકાસણીમાં ગોટાળા, પૈસા લઈને અપાયેલું ખોટું
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. ક્યારેય ચકાસણી થતી નથી. મકાન બને તેમાં અને તે પુર્વે મૂકાયેલા
પ્લાનમાં પણ તફાવત, ક્યાંક પાર્કિંગ નહીં, બાલ્કની નહીં. નગર પાલિકા કે મહાનગરપાલિકાની
વિવિધ શાખાઓ જાણે આવી બધી બાબતોની ચકાસણી દૃષ્ટિહીન બની જાય છે. તેમને આવા ગોટાળા દેખાતા
નથી. જ્યાં અગ્નિશમનની સુવિધા-સાધન ન હોય તે મકાનના ઉપભોક્તાઓ કે નિર્માતાઓને દંડ ફટકારવાનો
હોય તેને બદલે તેની પાસેથી અધિકારીઓ લાંચ લે છે.
ઈમારતનું
નિર્માણ કોઈ રાજકીય વ્યક્તિની ભાગીદારીથી થયું હોય તે પણ નકારી શકાય નહીં અને એવું
ન હોય તો પણ એ લોકોની ભલામણ કે સંમતિ તો હોય જ છે. રાજકોટમાં બે વર્ષ પહેલાં થયેલા
ટીઆરપી અગ્નિકાંડ, સૂરતમાં 2019માં કોચિંગ ક્લાસના મકાનમાં લાગેલી આગ રાજકોટમાં
2024માં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ સહિતના બનાવ બન્યા છે. ફાયર બ્રિગેડ પાસે જવાબ
છે કે સ્ટાફ નથી. પ્રશાસન પાસે જવાબ છે કે બધી ચકાસણી થાય જ છે. જેવી સ્થિતિ આગ બાબતે
છે તેવું જ લિફ્ટની ચકાસણીનું તંત્ર પણ છે. દુર્ઘટના ઘટે ત્યારે થોડા સમય માટે ઉહાપોહ
થાય. ફરી બધું રાબેતા મુજબ. જો પ્રજા જાગે, બિલ્ડર પાસે પૂરતી સુરક્ષાની અપેક્ષા રાખે,
કોર્પોરેટર્સને કહે કે તમે અમારા વિસ્તારમાં અમારા મકાનની સલામતી ચકાસો તો જ ફરી મત
આપશું એવી જાગૃતિ આવે તો શાસકો કે પ્રશાસન પણ સતર્ક થાય. દિલ્હીમાં જે બન્યું તે કોઈ
પણ શહેરમાં બની શકે, ઘટના પછી તેનું પૃથક્કરણ કરવું તેના કરતાં તે બન્યા પૂર્વે પગલાં
ભરાય અને નીતિમત્તાના ધોરણોનું પાલન થાય તો કોઈના જીવ બચી શકે.