• મંગળવાર, 02 જૂન, 2026

તારીખ પર તારીખ નહીં, ચુકાદો ત્વરિત

સર્વોચ્ચ અદાલતે ન્યાયપ્રક્રિયા ત્વરિત બનાવવા માટે દેશના વિવિધ રાજ્યોની હાઈ કોર્ટને આદેશ આપીને પ્રજામાં અને કાનૂની ક્ષેત્રે આશાનો મોટો સંચાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઝડપી ન્યાય આપવો તે ન્યાય પાલિકાની પ્રાથમિક જવાબદારી છે. દેશની જનતા, વકીલો તથા સંબંધિત વ્યક્તિઓ-સંસ્થાઓ, પોલીસતંત્ર જેવી એજન્સીઓ વર્ષોથી પરિવર્તનનો આવો સંકેત ઈચ્છતી હતી. ન્યાયપાલિકા જેવું ક્ષેત્ર હોય એટલે માધ્યમો કે રાજનીતિના લોકો વિરોધનો સૂર સ્વાભાવિક રીતે વ્યક્ત કરી શકે નહીં પરંતુ આવું તેઓ વર્ષોથી ઈચ્છતા હતા. હવે આ આદેશનું પાલન કેટલું ? અને કેવું થાય છે? તે જોવાનું છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે હાઈ કોર્ટમાં જે કેઈસ હોય તેનો ચુકાદો જો સુરક્ષિત રાખવામાં આવ્યો હોય તો પણ ત્રણ માસમાં તે નિર્ણય થઈ જવો જોઈએ. દરેક હાઈ કોર્ટને આ આદેશ અપાયો છે કે તેમણે 90 દિવસમાં ચુકાદો આપવો. અદાલતનો ચુકાદો કે આદેશ અને જામીન સહિતની વિગતો 24 કલાકમાં અધિકૃત વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે. જો ત્રણ માસમાં નિર્ણય ન આવે તો મામલો હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના ધ્યાને મૂકવામાં આવે તેઓ વધારે બે સપ્તાહનો સમય આપી શકશે. તે પછી પણ નિર્ણય ન થાય તો કેઈસ અન્ય બેન્ચને સોંપી દેવાશે. બંધારણની કલમ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યા છે જે અત્યંત અનિવાર્ય હતા.

આ કલમનો ઉપયોગ જવલ્લે જ થાય છે ત્યારે સમજી શકાય કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને કેટલો ગંભીરતાથી લીધો હશે? ઉલ્લેખનીય છે કે આખા દેશના હાઈ કોર્ટમાં અત્યારે કુલ 61 લાખ કેઈસ પડતર છે. ફક્ત ગુજરાત હાઈ કોર્ટમાં જ 1 લાખ 75 હજાર કેઈસ અનિર્ણિત છે. જિલ્લા અદાલતોથી શરૂ કરી સુપ્રીમ સુધીમાં અનિર્ણિત કેઈસની સંખ્યા તો કરોડોમાં છે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. જે લોકો અસરગ્રસ્ત નથી, કાયદાકીય પ્રક્રિયાનો પનારો નથી પડયો તેને સમજાય નહીં પરંતુ ન્યાય મળવામાં વિલંબ થાય તેની અસર બહુઆયામી અને દૂરોગામી હોય. અહીં તો સર્વોચ્ચ અદાલતે આરોપીને જામીન મળવામાં પણ વિલંબ થવો ન જોઈએ તેવું હાઈ કોર્ટોને સ્પષ્ટ કહ્યું છે.

જામીનની વાત વ્યક્તિ સ્વતંત્રતા સાથે સીધી નિસબત ધરાવે છે. કોર્ટે જામીન પછીની ઔપચારિકતા પણ સત્વરે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયની અનિર્ણિતતાની અસર ફક્ત કાનૂન ક્ષેત્રે નહીં સામાજિક ક્ષેત્રે પણ થાય, થઈ પણ છે. કેટલીક વાર ચુકાદાની અસર જ ન રહે તે સ્થિતિ હોય છે. ગત વર્ષે મે માસમાં ઝારખંડ હાઈ કોર્ટે 67 ગુનાઇત અપીલોનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો ત્યારે પણ સર્વોચ્ચ અદાલતે આવી ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સૌજન્યપૂર્ણ રીતે કહ્યું પણ ખરું કે કોઈ જજ કે કોઈ એક અદાલતને ધ્યાને રાખીને, તેમની કાર્યક્ષમતા ઓછી આંકીને આ આદેશ નથી અપાયો, ન્યાયમાં વિલંબ થાય તો સમગ્ર ન્યાયક્ષેત્રની વિશ્વસનીયતા ઉપર અસર પડે, તે સ્થિતિ આવકાર્ય નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક