• મંગળવાર, 02 જૂન, 2026

જનગણનાનું મહાઅભિયાન શરૂ

દેશની સૌ પ્રથમ ડિજિટલ વસતી ગણતરીનું મહાકાર્ય 1 જૂનથી શરૂ થશે. પ્રાથંમિક તબક્કો કહેવાય તેવી સ્વગણના તો થઈ ગઈ છે. હવે સરકાર વતી કર્મચારીઓ રુબરુ આવીને બધી વિગત માગશે. દેશમાં સૌ પ્રથમ વાર વસતી ગણતરી 1881માં ડબલ્યુ.સી. પ્લોવડનના માર્ગદર્શનમાં લોર્ડ રિપનના સમયમાં થઈ હતી. ત્યારથી પ્રત્યેક દાયકે આ પ્રક્રિયા થાય છે જો કે 2021માં કોરોનાને લીધે આ કાર્ય થઈ શક્યું નહીં, હવે તે વસતી ગણતરી 2027ના નામે થઈ રહ્યું છે. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતી ગણતરી 1951માં થઈ હતી. યુદ્ધ, પ્લેગ જેવી સ્થિતિમાં પણ મુલતવી ન રહેલી વસતી ગણતરી કોરોના દરમિયાન શક્ય બની નહોતી. એક બાબત સ્પષ્ટ છે કે કોઈ પણ સરકાર હોય વસતી ગણતરી તો રાષ્ટ્રીય કાર્ય છે. શરૂઆતમાં પ્રોફેસરો, શિક્ષકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. કોઈ સંજોગોમાં તે ચલાવી લેવાય નહીં. સરકારનો પગાર, ભથ્થાંમાં વધારો, બધી સુવિધા, વર્ષમાં બે વેકેશન સહિતની સવલત મેળવનાર બૌદ્ધિક વર્ગ આ કાર્યથી અળગો રહે તે ચલાવી લેવાય જ નહીં. પગારપંચ કે અન્ય સુવિધા જેમ સરકારી ધોરણે જોઈએ તેમ આ કાર્ય પણ દરેકે કરવું જોઈએ. જેને જેને આ કામમાં સમાવાયા હોય તેમને સરકારે કામ સોંપવું રહ્યું અને ન કરે તો જોગવાઈ અનુસાર સજા પણ કરી જ શકાય. વસતી ગણતરી માત્ર સંખ્યા નથી. દેશની સામાજિક, આર્થિક, ભૌગોલિક સ્થિતિ અને પ્રગતિનું તે સીધું પ્રતિબિંબ છે.

આ વસતી ગણતરીમાં તો ડિજિટલ ટેક્નોલોજીનો પણ ઉપયોગ છે. કુલ 33 પ્રશ્નો છે જેના ઉપરથી દેશની પ્રજાના જીવનધોરણ, સ્વાસ્થ્ય સેવા, અન્ય સુવિધાઓ વિશે ખ્યાલ આવશે અને પરિવારમાં કેટલા લોકો છે, કોણ આર્થિક ઉપાર્જન કરે છે. ઘરના આર્થિક ઉત્કર્ષમાં મહિલાઓનું યોગદાન, મહિલાનું શિક્ષણ સહિતના રસપ્રદ મુદ્દાઓ જનગણનાના તારણમાં હશે. જેને આ જવાબદારી સોંપવામાં આવી હોય તેઓ સુપેરે, નિષ્ઠાથી તે નિભાવે અને જેમને પ્રશ્નો પૂછવામાં આવે તે પણ સચ્ચાઈથી, નિષ્પક્ષતાથી કોઈ વાત છૂપાવ્યા વગર તેના જવાબ આપે તે જરૂરી છે. 1901માં વસતી ગણતરી થઈ ત્યારે ગુજરાતની વસતી 90.94 લાખ હતી, ગુજરાત દેશમાં વસતીની દૃષ્ટિએ 11મા ક્રમે હતું. 2011માં ગુજરાતની જનસંખ્યા 6.04 કરોડ હતી. આજે તે 7.43 કરોડ હોવાનો અંદાજ છે.

સેક્સ રેશિયો- પુરુષોની સરખામણીમાં ત્રીઓનો જન્મદર ગુજરાતમાં 2011માં પ્રતિ 1000 બાળકે 918 બાળાનો હતો, દેશમાં સરેરાશ તે સંખ્યા 943 હતી. આવા અનેક પાસાં પણ આ ગણતરી પછી ખૂલશે. વસતી ગણતરીની પ્રક્રિયા મતદાર યાદીથી પણ વધારે મહત્વની છે. સરકાર તો તેની તૈયારી ઘણા સમયથી કરી રહી છે. કર્મચારીઓ તડકામાં, વિષમ સ્થિતિમાં ઘરે ઘરે જઈને ગણતરી કાર્ય કરશે. પ્રજા તરીકે તેમને સહયોગ આપીને દેશના આ કાર્યમાં જોડાવું તે નાગરિક ધર્મ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક