બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ચૂંટણીપંચની મતદારયાદી સુધારણાની કાર્યવાહી એટલે કે, એસ.આઇ.આર. પર રાજકીય પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને મમતા બેનરજીએ ખૂબ બબાલ કરી હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે સાફ કહી દીધું છે કે, ચૂંટણીપંચે મતદારયાદીના વિશેષ ગહન પરીક્ષણમાં કંઇ ખોટું કર્યું નથી અને તેને આ કામગીરીનો પૂરો અધિકાર છે. બિહારની મતદારયાદીનો એસ.આઇ.આર.નો આદેશ આપી પંચે જનપ્રતિનિધિત્વના અધિનિયમનો પણ કોઇ ભંગ કર્યો નથી. સુપ્રીમે એ સાથે ત્રણ પ્રશ્નની પણ પૂરી તપાસ કરી હતી, જેમાં પહેલો સવાલ એ હતો કે, શું ચૂંટણીપંચ પાસે એસ.આઇ.આર. કરાવવાની શક્તિ છે ખરી ? બીજો સવાલ એ હતો કે, શું એસ.આઇ.આર. અંતર્ગત કરાયેલી તપાસ કોઇ માન્ય ઉદ્દેશ પર આધારિત છે ? અને ત્રીજો સવાલ એ હતો કે, એસ.આઇ.આર. માટે અપનાવાયેલી પ્રક્રિયા જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઇઓથી ઊલટી કે તેનું ઉલ્લંઘન કરનારી છે ? સુપ્રીમ કોર્ટે એસ.આઇ.આર.ની તરફેણમાં ચૂંટણીપંચની દલીલો અને તર્ક સાથે સંમતિ દર્શાવી અને સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે, મતદારયાદીની શુદ્ધતા સુનિશ્ચિત થઇ છે અને સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણીમાં મદદ મળી છે.
સુપ્રીમ
કોર્ટના આ આદેશથી એસ.આઇ.આર. વિરુદ્ધ ફેલાયેલા નેરેટિવ ધ્વસ્ત થઇ ગયા છે. સર્વોચ્ચ અદાલતે
સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, એસ.આઇ.આર. દરમ્યાન મતદારયાદીમાંથી નામ હટાવવાની ચરણબદ્ધ
પ્રક્રિયા, દાવા અને વાંધા નોંધાવવાની પૂરતી તક અપાઇ હતી. હકીકતે કોંગ્રેસ અને મમતા
સહિતના અન્ય પક્ષોનો વિરોધ રાજકીય જ હતો. આ પક્ષોએ ક્યારેય પણ એસ.આઇ.આર. પ્રક્રિયામાં
શું ખોટું થઇ રહ્યું છે એ વિશે પ્રશ્ન નહોતા ઉઠાવ્યા. તેઓ ચૂંટણીપંચના દરેક આંકડાને
મનઘડંત બતાવતા રહ્યા હતા. ઘણીવાર તો વિરોધ પક્ષોએ એવા તથ્યો સુપ્રીમ સામે મૂક્યા છે
જે તદ્દન ખોટા હતા. તેના પર કોર્ટ નારાજ પણ થઇ.
વિરોધ
પક્ષોની શંકાનું સમાધાન કરવા સુપ્રીમ કોર્ટે ઓળખપત્રોની સંખ્યા વધારી, વિરોધ પક્ષોએ
સૂચવેલા સલામતી ઉપાય પણ માન્ય રાખ્યા, તેમ છતાં આ પક્ષોએ ક્યારેય એસ.આઇ.આર.ની શુદ્ધતા
પર જોર આપ્યું નથી. તેમની એકમાત્ર કોશિશ એસ.આઇ.આર.ની પ્રક્રિયા અટકાવી દેવાની હતી.
આમ તો એસ.આઇ.આર.ની કામગીરી બહુ લાંબી છે અને કરોડો લોકોના ડેટાની ખરાઇ કરવી આસાન નથી.
બની શકે કે તેમાં કોઇ ખામી રહી શકે, પણ તેને સુધારવાનો વિકલ્પ પણ મતદાતા પાસે હતો જ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં
સાફ કર્યું છે કે, એસ.આઇ.આર. એવી બંધારણીય પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ બંધારણની વિભાવનાને
જાળવી રાખવાનો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ અન્ય રાજ્યોમાં થનારી એસ.આઇ.આર.ની પ્રક્રિયાને
અંતિમ મંજૂરી આપી દીધી છે. ભલે આ ચુકાદો બિહારમાં થયેલા મતદાર ગહન પરીક્ષણ માટે અપાયો
છે, પણ તેની અસર પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ઊભા થનારા વિવાદ પર પણ પડશે. હજી
અલબત્ત, પશ્ચિમ બંગાળના અનેક લોકોનાં નામ અંતિમ મતદાતા સૂચિમાં નહોતા આવી શક્યા, એ
મામલો હજી વિચારાધીન છે. વિપક્ષોએ જોરશોરથી પોતાના સમર્થકોનાં નામ કપાયાં હોવાનો આરોપ
મૂક્યો હતો, પણ ત્યાં સરકાર બદલ્યા પછી જે રીતે બાંગલાદેશી ઘૂસણખોરોનો મોટો સમૂહ પરત
જવા માટે તૈયાર છે એ જોતાં ચૂંટણીપંચની મોટી સંખ્યામાં ઘૂસણખોરોનાં નામ કાપવાનાં પગલાંની
પુષ્ટિ કરે છે. એટલે જ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, જે લોકોનાં
નામ નાગરિકતાને સમર્થન ન મળવાનાં કારણે કપાયાં છે તેનું વિસ્તૃત વિવરણ સંબંધિત વિભાગને
આપે જેથી આવા લોકો પર કાર્યવાહી થાય. અંતે તો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવ્યા પછી રાજકીય
પક્ષોનો વિરોધ સમાપ્ત થવો જોઇએ અને એસ.આઇ.આર.ની પ્રક્રિયા સુચારુ રીતે આખા દેશમાં ચાલવી
જોઇએ.