પાંચ દિવસની યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સમુદાયને કરેલું સંબોધન સમગ્ર વિશ્વ માટે અગત્યનું, ટાણાસરનું છે. જો નકારાત્મક શક્તિનો સામનો એક થઈને નહીં કરીએ તો જે કંઈ પ્રાપ્ત કરવા માટે દાયકા લાગ્યા તે ગુમાવી બેસીશું તેવી ગાંઠે બાંધી રાખવા જેવી વાત તેમણે કરી છે. નરેન્દ્ર મોદીની કોઈ પણ વાતને ફક્ત રાજકીય રીતે જ લઈને તેની ટીકા કે વિરોધ કરવા, વખોડવાની ટેવ ધરાવતા લોકોએ પણ આ મુદ્દે વિચારવું જોઈએ અને જે લોકો ફક્ત તેમની આભાથી પ્રભાવિત છે પરંતુ તેમને અનુસરતા નથી તેમના માટે પણ આ વક્તવ્યમાં બોધ છે.
સિટી
ઓફ પીસ ગણાતા ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં નરેન્દ્રભાઈએ કહ્યું કે અત્યારે વિશ્વના
દેશો જો સ્થિતિ સંભાળશે નહીં તો તેના પરિણામ ગંભીર આવશે અને દાયકાઓ સુધી તેની અસર વર્તાશે.
આ ભાજપના મંચ ઉપરથી થયેલી વાત નથી અને કોઈ વિપક્ષને ઉદ્દેશીને પણ તે કહેવાયું નથી.
અલગ અલગ ક્ષેત્રમાં યુદ્ધ, આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને ભૂરાજનીતિક તણાવ વધી રહ્યો
છે. આ એવો સમય છે જ્યારે બધા દેશોએ શાંતિ, સંવાદ અને સહયોગનો રસ્તો અપનાવવો પડશે. ઋગ્વેદની
ઋચા સંઘ છદ્વંનો ધ્વનિ આ વાતમાં સંભળાય છે. ઊર્જા ક્ષેત્રે આ સંકટનો દાયકો છે, જો સ્થિતિ
નહીં સુધરે તો છેલ્લે કેટલાક દાયકામાં થયેલી ઉપલબ્ધિઓ અચાનક સમાપ્ત થઈ શકે તેવું કહીને
વડાપ્રધાને અત્યંત અગત્યની વાત કરી કે કોઈ પણ સમસ્યાનું સ્થાયી સમાધાન યુદ્ધ નથી.
આ વક્તવ્ય
આખા વિશ્વ માટે અગત્યનું છે. વૈશ્વિક શક્તિઓ માત્ર ટકરાવની જ રાજનીતિ કરશે તો તેની
અસર ફક્ત વર્તમાન પેઢી ઉપર જ નહીં, આગામી વર્ષો સુધી દુનિયા ઉપર પડશે. જો કે આપણે ત્યાં
પણ કેટલાક લોકો યુદ્ધ કે કોઈ એક ધર્મ-કોમ માટે કાયમ આક્રમક રહે છે. વડાપ્રધાને કહ્યું
કે કોઈ પણ સમસ્યાનું સ્થાયી સમાધાન યુદ્ધ નથી. ભારત હંમેશા સંવાદ, કૂટનીતિ અને માનવતાના
પક્ષમાં જ ઊભો રહ્યો છે તેવું કહીને તેમણે ભારતની ફક્ત ભૂમિકા જ નહીં, ભારતના સંસ્કારનો
પડઘો પાડયો. વિશ્વએ વિકાસ અને વિનાશમાંથી એકની પસંદગી કરવાની છે એવું વિધાન ઘણું સૂચક
છે.
પેટ્રોલ-ડીઝલના
ભાવ વધારાની વચ્ચે વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ વિપક્ષો માટે વિવાદનો વિષય હોઇ શકે પરંતુ
આ વક્તવ્ય રાજકીય નથી. જે સ્થિતિનો સામનો વિશ્વના દેશો કરી રહ્યા છે તે જ તેમણે બયાં
કરી. આ પડકારની અવગણના થઈ શકે તેમ નથી, જાગવું જ પડશે તે નક્કી છે.