ગુજરાત
વધુ એક સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. રવિશંકર મહારાજના શુભાશિષથી જે યાત્રા
આરંભાઈ હતી તેને 65 વર્ષ પૂર્ણ થયાં છે. મહારાજના એ વક્તવ્ય કરતાં આજનું ગુજરાત ઘણું
અલગ છે. પરિવર્તનને સ્વીકારવું જ રહ્યું પરંતુ તથ્યોનું પરિવર્તન સ્વીકાર્ય છે. મૂળતત્વોનું
પરિવર્તન આવકાર્ય નથી. સરકારી સૂત્રમાં થોડા સમય પૂર્વે ગતિશીલ કહેવાયેલાં ગુજરાતની
પ્રગતિ ઊડીને આંખે વળગે તેવી છે તેમ કહેવું તેના કરતાં એમ કહેવું ઉચિત રહેશે કે ગુજરાતની
પ્રગતિ-વિકાસ જોઈને આંખમાં હરખના અશ્રુ આવે જ. ગુજરાત મોડેલ ભલે રાજકીય દૃષ્ટિકોણથી
અને રાજકીય મંચ ઉપરથી પ્રયોજાતો શબ્દ છે પરંતુ ઘણી બાબતોમાં ફક્ત ભારત જ નહીં, આખું
વિશ્વ ગુજરાત મોડેલ અપનાવે તો સુખી થઈ શકે તેમ છે.
આ રાજ્યની
સંસ્કૃતિને સનાતન ધર્મના મોટા સ્થાનકો સોમનાથ અને દ્વારિકાએ સિંચી છે. સ્વયં કૃષ્ણભગવાન
માતૃભૂમિ છોડીને પરિવારની સાથે વસ્યા. ગુજરાત કૃષ્ણની રાજધાની જ નથી તેમની અંતિમ ક્ષણોની
સાક્ષી આ ધરતી રહી. સનાતન હિન્દુ ધર્મનું અવિચળ સ્થાન એવો ગિરનાર અહીં છે. તેની નિશ્રામાં
જૈન અને બૌદ્ધ ધર્મ પણ અહીં વિસ્તર્યા. ઈસ્લામનો પણ આ પ્રાંતે સાદર સ્વીકાર કર્યો,
પુષ્ટિ સંપ્રદાય, શક્તિપીઠોના આશીર્વાદ અહીં વરસ્યાં છે. ધર્મ, સંસ્કૃતિ, પરંપરા, વેપાર,
સુરક્ષા જેવા અનેક રંગના પાણી અહીંના સમુદ્રકાંઠે ઘૂઘવે છે.
ગુજરાતની
મહાલોકમાતા નર્મદા હવે ફક્ત ધાર્મિક આસ્થાનું માધ્યમ નથી, તે ગુજરાતના કૃષિક્ષેત્રે,
આર્થિક ક્ષેત્રે અને પીવાના પાણીના વિરાટ આયોજનમાં મોટું પ્રદાન કરી રહી છે. સૌની યોજના
ખરા અર્થમાં ગુજરાત મેડેલ છે. જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક થ્રી ફેઈઝ વીજળી પહોંચાડવાનું
કામ થયું છે. વીજ ઉત્પાદન ક્ષમતા 53 હજાર મેગાવોટ થઈ છે. સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ
રીન્યુઅલ એનર્જીના ક્ષેત્રે ગુજરાત પથદર્શક બન્યું છે. ઉદ્યોગો ગુજરાતમાં પહેલેથી જ
સક્ષમ હતા. ગોલ્ડન કોરીડોર ગણાતા વાપી, અંકલેશ્વર પૂરતા સિમિત ઔદ્યોગિક એકમો હવે છેક
કચ્છ સુધી, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી વિસ્તર્યા છે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં
ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. વાઈબ્રન્ટ ગુજરાત જેવાં આયોજનોએ તે વિકાસને બળ પૂરું
પાડયું છે.
રસ્તા,
પરિવહન, મોટા સેતુઓ, આધુનિક રસ્તાઓ સહિતની માળખાંકીય સુવિધાઓમાં ગુજરાત વિશ્વના કેટલાક
દેશોના શહેરો સાથે સ્પર્ધા કરી શકે તેવા દિવસો હવે દૂર નથી. 2047માં દેશ સ્વતંત્રતાની
શતવાર્ષિકી ઉજવશે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ગૂંજશે. પ્રવાસન ક્ષેત્રે ગુજરાત
નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે. ધાર્મિક અને નૈસર્ગિક સ્થળોએ જતા યાત્રાળુઓ, પ્રવાસીઓની
સંખ્યા વધી છે. જો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક
સમયમાં ડ્રગ્સનું વેચાણ, દાણચોરીમાં સતત વધારો થયો છે. થઈ રહ્યો છે. પૂર-વાવાઝોડાં
વખતે શહેરોમાં વિકટ સ્થિતિ સર્જાય છે. ગુનાખોરી વધી રહી છે. ખૂલ્લી તલવારો, શત્રો સાથે
ટોળાં નીકળી પડે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં દુર્ઘટનાઓ- આગ લાગવા કે પુલ
તૂટવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જાહેર સુવિધા વધી છે. જાહેર સલામતી સામે પ્રશ્નાર્થો
સર્જાયા છે. પ્રશાસન અને સરકારે આ દિશામાં પણ ગંભીર વિચાર કરવો જરૂરી છે. વિકાસની આ
યાત્રામાં અનેક મહાનુભાવોનું પ્રદાન છે. પરંતુ ગુજરાતના પાયામાં, મૂળમાં ગાંધીજી, સરદાર
સાહેબની રાષ્ટ્રપ્રીતિ, સમર્પણ, માનવતા છે તે વિસરાવું ન જોઈએ.