પાકિસ્તાની આતંકવાદ સામે ભારતના 140 કરોડ લોકોની એકતા મહાશક્તિ હોવાનો વિશ્વાસ વડા પ્રધાન મોદીએ વ્યક્ત કર્યો છે ત્યારે એકતામાં ‘ગાબડાં’ બતાવવા કેટલાક વિપક્ષી નેતાઓએ પ્રયાસ શરૂ કર્યા છે. મહારાષ્ટ્રના સંજય રાઉત અને ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવ મુખ્ય છે. સંજય રાઉત તો કહે છે, આતંકવાદી હુમલા માટે મોદી અને અમિત શાહ - જવાબદાર છે. મુસ્લિમો સામે નફરતનું રાજકારણ હોવાથી આતંકવાદી હુમલો થયો છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના શરદ પવારે હુમલામાં હિન્દુઓને નિશાન બનાવાયા તે સામે શંકા વ્યક્ત કરી છે અને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ તો કહ્યું પાકિસ્તાન સાથે લડાઈ કરવાની જરૂર નથી-! હવે પાકિસ્તાન સામે ‘દંડાત્મક’ પગલાં ક્યારે લેવાશે તેની ચર્ચા થાય છે. રાહ જોવાય છે: ભારતમાં લોકોને પૂરી ખાતરી છે, વિશ્વાસ છે કે મોદી સખત પગલાં જરૂર લેશે - ત્યારે આતંકવાદનો અને પાકિસ્તાનનો આડકતરો બચાવ કરતાં નિવેદનો થાય છે - જે એકતાની દીવાલમાં ગાબડાં પાડે છે!
કેન્દ્ર
સરકારે બોલાવેલી સર્વપક્ષી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો અને સરકારને જે યોગ્ય
જણાય તેવાં પગલાંની સામૂહિક મંજૂરી અપાયા પછી હવે શંકા વ્યક્ત કરવાનો અર્થ નથી અને
સ્વીકાર્ય પણ નથી. એટલે કૉંગ્રેસ હવે પહેલગામ ઉપરના આતંકી હુમલા પછી સરકાર શું પગલાં
લેવાં માગે છે તેની ચર્ચા-વિચારણા કરવા સંસદનું વિશેષસત્ર બોલાવવાના પ્રયાસ કરે છે.
કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અન્ય વિપક્ષોને સાથે રાખીને વિશેષસત્ર બોલાવવાનો
માગણી પત્ર તૈયાર કરે છે. તૃણમૂલ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, અખિલેશ યાદવની સમાજવાદી
પાર્ટી તથા ઉદ્ધવ ઠાકરેની સેના કૉંગ્રેસને ટેકો આપે છે. આવો પત્ર સ્પીકરને અને રાષ્ટ્રપતિને
પણ સુપ્રત થયા પછી વિપક્ષના વ્યૂહ આતંકવાદને વખોડવા સાથે આપણી ગુપ્તચર એજન્સીઓની ગંભીર
ક્ષતિઓ બદલ સરકાર પાસે જવાબ માગવાનો છે. વિશેષસત્રની માગણી નામંજૂર થાય તો પણ તેને
રાજકીય મુદ્દો બનાવાશે.
પાકિસ્તાને
સરહદ ઉપર ગોળીબારી શરૂ કરી છે અને ‘પકડ મુઝે જોર આતા હૈ’ની જેમ ભારતનું આક્રમણ ટાળવા
- રોકવા માટે પહેલગામ હુમલાની નિષ્પક્ષ - તટસ્થ તપાસ કરવાની - માગણી કરી છે. ચીને આવી
માગણીને ટેકો આપ્યો છે ત્યારે રશિયાએ જવાબદાર આતંકી હુમલાના ‘માસ્ટર માઇન્ડ’-ભેજાબાજ
ભારતને સોંપી દેવાની સલાહ આપી છે. પાકિસ્તાનના પેંતરાને સફળ બનાવવા માટે લશ્કર-એ-તોયબાના
ફ્રન્ટલાઇન મોહરા - રેઝિસ્ટન્ટ ફ્રન્ટે - હુમલાના ચાર દિવસ પછી કહ્યું છે કે અમારો
હાથ નથી - આ તો ભારતની ગુપ્તચર એજન્સીઓનું કાવતરું હતું! ભારતના ભેજાબાજ વિપક્ષી નેતાઓએ
મોદી સરકાર ઉપર આક્ષેપો કરીને પાકિસ્તાનને ‘મસાલો’ પૂરો પાડયો છે. હવે આના આધારે ‘તટસ્થ
તપાસ’ની માગણી જોર પકડે તેવો પ્રચાર શરૂ થશે.
નોંધપાત્ર
બાબત એ છે કે હુમલા પછી તરત જ - 25મી એપ્રિલે જાહેરમાં આ હુમલાની જવાબદારી લીધી હતી.
હવે કહે છે અમારા ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપરથી કોઈએ આવો સંદેશ - મોકલ્યો હતો. અમારી તપાસમાં
જણાયું છે કે આ કામ ભારતની ગુપ્તચર એજન્સીઓનું છે! ચોર કોટવાલને દંડે - જેવો દાવો પાકિસ્તાનનો
છે અને તેના મૂળમાં આપણા વિપક્ષી નેતાઓની આક્ષેપબાજી છે. મોદીની એકતા - મહાશક્તિને
નબળી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે.