અમેરિકાની
મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજદર હાલ પૂરતા 4.25-4.5 ટકાએ જાળવી રાખ્યા પરંતુ આ
વર્ષના અંત સુધીમાં બે દરઘટાડાનો નિર્દેશ કર્યો
તેને ઉપાડી લઈને ત્યાંનાં અને અહીંનાં શેરબજારો હરખાઈ ઉઠ્યાં છે. પરંતુ ફેડરલ
રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલનું નિવેદન અમરિકન અર્થતંત્રની ગતિવિધિ વિષે ચિંતા પ્રેરનારું
છે. ફેડરલ રિઝર્વે અમેરિકાનો આ વર્ષનો સંભવિત વિકાસદર ઘટાડીને 1.7 ટકા કર્યો છે જયારે
ફુગાવાનો સંભવિત દર વધારીને 2.7 ટકા કર્યો છે. બંને શેરબજારની તેજી માટે પ્રતિકૂળ છે.
ફેડે વ્યાજદર ઘટાડવાની પ્રમુખ ટ્રમ્પની માગણી ફગાવી દીધી છે. તેણે કહ્યું કે અમારી
નીતિ કોઈ પૂર્વનિર્ધારિત દિશામાં જતી નથી. આગળ ઉપર પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાશે.
ટ્રમ્પ
જકાતના શસ્ત્ર દ્વારા બીજા દેશોને તેમની જકાત ઘટાડવા અને અમેરિકન માલસામાન માટે દરવાજા
ખોલવા, કેફી પદાર્થોની દાણચોરી અને ગેરકાયદે વસાહતીઓની ઘૂસણખોરી રોકવા મજબૂર કરવા માગે
છે. પરંતુ જકાત નાખવી, પછી તે મુલતવી રાખવી, તેમાં અપવાદ કરવા, પાછી ખેંચવી, બદલાવવી
વગેરે જાહેરાતો સૂચવે છે કે તેમની પાસે કોઈ માસ્ટર પ્લાન નથી. પડશે તેવા દેવાશેની ઉડઝૂડ
નીતિ છે. તે ભારત સાથે વેપાર કરાર વિષે મંત્રણા કરે છે અને 2 એપ્રિલથી વળતી સમાન જકાતની
તલવાર પણ લટકાવી રાખે છે. સરવાળે તેમના મિત્રો, શત્રુઓ અને બજારો ગૂંચવાઈ જાય છે. આવી
જ અનિશ્ચિતતા તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એક્સ્પેન્ડિચરનાં આડેધડ પગલાંએ પેદા
કરી છે. સરકારી એજન્સીઓ બંધ કરાય છે, કર્મચારીઓને છૂટા કરી દેવાય છે, તેમને મળતાં નાણાં
અટકાવી દેવાય છે અને પછી તેમાંથી કેટલાકને પાછા બોલાવાય છે, ક્યાંક કોઈક ન્યાયાધીશ
છટણીને ગેરબંધારણીય ઠરાવે છે. અમેરિકામાં કાયદેસર અને ગેરકાયદેસર વસતા વિદેશી વસાહતીઓ
સામે લેવાતાં પગલાંથી પણ ઘણો ગભરાટ અને ગૂંચવાડો
ફેલાયો છે. પોવેલનું નિવેદન ટ્રમ્પ માટે ચેતવણી રૂપ છે. પણ ટ્રમ્પ તેમાંથી કશો
બોધપાઠ લેશે એવી શરત મારવા જેવી નથી. તેમનો સ્વભાવ જોતાં તે ફેડરલ રિઝર્વને પણ નિશાન
બનાવે તેવી સંભાવના વધુ ગણાય. ટ્રમ્પનાં કેટલાંક ઉચ્ચારણો સૂચવે છે કે અમેરિકાને ફરીથી
મહાન બનાવવું હોય તો થોડો વખત માટે હાડમારી સહન કરવી અનિવાર્ય છે એમ તે માને છે. એક
મુલાકાતમાં તેમણે કહ્યું કે ચીન સો વર્ષની યોજના મુજબ કામ કરતું હોય ત્યારે તમે ત્રિમાસિક
પર નજર રાખીને કામ ન કરી શકો. શું થશે એ જ જ્યાં કોઈને ખબર નથી ત્યાં તેની અસર કેવી
હશે તેની અટકળ કરવી નિરર્થક છે. પરંતુ આ અનિશ્ચિતતા, ગૂંચવાડો અને ગભરાટનું વાતાવરણ
જોખમ ઉઠાવવાની વૃત્તિ અને રોકાણ માટે પ્રતિકૂળ છે.