• શનિવાર, 13 એપ્રિલ, 2024

પંકજ છોડી ગયા ગઝલને ‘ઉદાસ’

લાંબી બીમારી પછી સૌરાષ્ટ્રના ગૌરવ, ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન: આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર: વડાપ્રધાન મોદીએ શોક પ્રગટ કર્યો

મુંબઈ, તા.26: ‘િચઠ્ઠી આઈ હૈ’ અને ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ જેવાં ગીતો આજે પણ સંભળાય તો લોકોને ગણગણવા મજબૂર કરી દે તેવા મખમલી અવાજના માલિક અને ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ગઝલ, ગીત, સૂર અને સંગીતને ઉદાસ કરીને હંમેશ માટે વિદાય લઈ ગયા છે. ગુજરાત અને તેમાં પણ રાજકોટ સાથે અતૂટ નાતો ધરાવતા 72 વર્ષીય ગાયકનું આજે 72 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ લાંબો સમયથી બીમાર હતા.

દેશ-વિદેશમાં વસતા તેમના ચાહકોને પંકજ ઉધાસના પરિવારે એક નિવેદનમાં આ દુ:ખદ સમાચાર આપ્યા હતા અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, બહુ ભારે મને જણાવવું પડે છે કે, લાંબી બીમારી પછી આજે 26 ફેબ્રુઆરી, 2024નાં રોજ પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. તેમનું અવસાન આજે સવારે 11 વાગ્યાના સુમારે મુંબઈમાં થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એવું જાણવા મળે છે કે, પંકજ ઉધાસને થોડા માસ પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેઓ ત્યારબાદથી કોઈને મળતા પણ ન હતા. તેમનાં અંતિમ સંસ્કાર આવતીકાલે મુંબઈમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંકજ ઉધાસનાં નિધન ઉપર શોક પ્રગટ કર્યો હતો અને એક્સ ઉપર ટ્વીટમાં દિવંગત ગાયક સાથેની પોતાની સ્મૃતિઓની તસવીરો શેર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને આ સાથે લખ્યું હતું કે, અમે પંકજ ઉધાસનાં નિધન ઉપર શોક વ્યક્ત કરીએ છીએ. જેમની ગાયકી અનેક પ્રકારની ભાવનાઓ વ્યક્ત કરતી હતી અને તેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી. તેઓ ભારતીય સંગીતનાં એક પ્રકાશસ્તંભ હતા. તેમના જવાથી સંગીત જગતમાં એક ખાલીપો સર્જાયો છે અને તે ક્યારેય ભરી નહીં શકાય. તેમનાં પરિવાર અને ચાહકો માટે સંવેદના, ઓમ શાંતિ.

ગઝલ ગાયનની દુનિયામાં તેઓ એક અવિસ્મરણીય નામ છે. વર્ષ 1986માં આવેલી ‘નામ’ ફિલ્મની ગઝલ ચિઠ્ઠી આઈ હૈથી તેમને અપ્રતિમ નામ અને શોહરત મળેલા. તેમણે યે દિલ્લગી, ફિર તેરી કહાની યાદ આઈ, ચલે તો કટ હી જાયેગા અને તેરે બિન સહિતની અનેક ગઝલોમાં સ્વર આપેલો. આ સિવાય ના કજરે કી ધાર, ચાંદી જૈસા રંગ હૈ તેરા તેમનાં સદાબહાર ગીતોમાં સામેલ છે. જો કે બહુ ઓછા લોકોને જાણકારી હશે કે તેમણે ગઝલો ઉપરાંત ભજનોમાં પણ પોતાનો મંત્રમુગ્ધ કરનાર અવાજ આપેલો.

પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ રાજકોટના જેતપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનાં પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. તેમના બન્ને મોટા ભાઈ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરની સર ભાવાસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટમાંથી કર્યો હતો. જે બાદ તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો. 

તેમણે તેમના કારકિર્દીની શરૂઆત 1980માં ‘આહત’ નામનો ગઝલ આલ્બમ બહાર પાડીને કરી હતી. ટૂંક સમયમાં તેઓ ભારતમાં ગઝલ સંગીતનો પર્યાય બની ગયા હતા. જો કે તેમની પ્રથમ કમાણી વિશે કહેવાય છે કે, તેમણે ગાયનની શરૂઆત પોતાના ભાઈ સાથે કરી હતી અને તે વખતે ચીન સાથે ભારતનાં યુદ્ધનાં કારણે દેશભક્તિનો રંગ છવાયેલો હતો. જેમાં તેમણે એ મેરે વતન કે લોગો ગીત ગાઈને બધાને મુગ્ધ કરી દીધા હતા. આ ગીત માટે તેમને પ1 રૂપિયાનું ઈનામ મળેલું. દિવંગત ગાયકે પ1 રૂપિયાની કમાણીથી શરૂ કરેલી કારકિર્દી ત્યારબાદ કરોડોની સંપત્તિ સુધી પહોંચી હતી. આકાશવાણી રાજકોટને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ, સૌરાષ્ટ્રમાં તેઓ મોટા થયા અને અહીં જ તેમણે ઓરકેસ્ટ્રામાં ગાયનના કાર્યક્રમોથી સંગીતની દુનિયામાં પ્રવેશ કરેલો. જો કે ત્યારબાદ તેઓ મુંબઈ ગયા ત્યારે ત્યાંના ગુજરાતીઓએ તેમને પંકજ ઉધાસ તો આપણા છે તેવો આવકારો આપેલો અને લંડનમાં પહેલો કાર્યક્રમ આપ્યો ત્યારે ત્યાંના ભારતીયોએ પણ આવો જ પ્રતિસાદ આપેલો. જે દેખાડે છે કે, આપણી ભૂમિ ઉપર આપણું નામ પહોંચતા વાર લાગે છે પણ બહાર નીકળતા તરત જ ઓળખ મળી જાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીલિયાના કુતાણા ગામે પત્નીની કોદાળીનો ઘા ઝીંકી હત્યા કરતો પતિ પૈસાના મામલે બન્ને વચ્ચે ઝઘડો થતાં બોથર્ડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું April 13, Sat, 2024