વિજયાદશમીએ સંબોધન ઃ સમસ્યાઓ તો હોય અને આંદોલનો પણ થાય જ, આંદોલનો સમસ્યાનાં ઉકેલ માટે હોવા જોઈએ
નવી દિલ્હી, તા.20ઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સંઘના વિજયાદશમી ઉત્સવને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક શક્તિઓએ ભારતને નિશાન બનાવ્યું છે અને રીજીમ ચેન્જ (સત્તા પરિવર્તન)ના નામે પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. સંઘ પ્રમુખે કહ્યું કે છેલ્લા એક દાયકામાં ભારતે જે વિકાસ કર્યો છે, તેના કારણે ભારત આસુરી શક્તિઓનું લક્ષ્ય બન્યું છે.
મોહન ભાગવતે દેશથી માંડીને દુનિયામાં મહત્ત્વનાં બનેલા અનેક મુદ્દાઓને આવરી લેતા જણાવ્યું કે ભારતની સતત થઈ રહેલી પ્રગતિ કેટલીક વૈશ્વિક શક્તિઓને પસંદ આવી રહી નથી. તેમણે કહ્યું, પશ્ચિમ તરફથી એક આંધી ઊઠી છે. આ શક્તિ દરેક પ્રકારની વ્યવસ્થા, સભ્યતા, મંગલભાવના અને સંસ્કારોથી નફરત કરે છે અને તેનો નાશ કરવા માગે છે. ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે, અલ્બેનિયામાં શું થઈ રહ્યું છે, બાંગ્લાદેશમાં શું થયું અને નેપાળમાં શું થયું ? આ બધું તેમની જ કરતૂત હતી.
મોહન ભાગવતે આ દરમિયાન કહ્યું કે સત્તા પરિવર્તનથી પરિસ્થિતિઓ ન તો અગાઉ ક્યારેય બદલાઈ છે અને ન તો ભવિષ્યમાં બદલાશે. ભાગવતે કહ્યું, તેઓ કહે છે કે રીજિમ ચેન્જથી પરિસ્થિતિઓ બદલાઈ જશે, પરંતુ એવું નહીં થાય. અગાઉ પણ આવું થયું નથી અને હવે પણ નહીં થાય. પોતાના સ્વાર્થને પોષનારા તેમના પીઠ્ઠુઓ દરેક જગ્યાએ પ્રભાવશાળી રહ્યા છે. આ માટે સમગ્ર દુનિયામાં આવી કાર્યવાહી કરવામાં આવે છે અને ભારતનો વિકાસ તેમાં અવરોધ ઊભો કરશે. આ જ કારણ છે કે ભારત તેમનું મુખ્ય લક્ષ્ય છે અને ભારતમાં પણ આવા પ્રયાસો થઈ રહ્યા છે.
ભાગવતે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. સાથે જ, ભારતની નવી પેઢીમાં પુરુષાર્થ અને પરિશ્રમની ભાવના જાગી છે, જેના કારણે આ શક્તિઓના દાવપેચ નિષ્ફળ ગયા છે. આસુરી શક્તિઓ આ વાત જાણે છે અને તેથી જ ભારત તેમનું નિશાન છે.
મોહન ભાગવતે કહ્યું હતું કે, સમસ્યાઓ હંમેશાં રહેતી હોય છે અને તેના માટે આંદોલનો પણ થતાં જ હોય છે. લોકશાહીમાં આંદોલનો થશે જ, પરંતુ આંદોલનો સમસ્યાના ઉકેલ માટે થવાં જોઈએ. આંદોલનનો હેતુ ઉકેલ લાવવાનો હોવો જોઈએ. આંદોલન કરનાર કોઈ જૂથ હોય, વહીવટીતંત્રનાં અધિકારી હોય કે રાજકીય નેતા હોય, આપણા અખંડ સમાજમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ પેદા થવો જોઈએ નહીં. લાગણીઓ ગમે તેટલી તીવ્ર હોય, પરંતુ આપણા બંધારણની મર્યાદા, બોલચાલ અને વ્યવહારની મર્યાદા જળવાવી જોઈએ. આપણાં કાર્યો પણ આ જ મર્યાદાઓમાં રહીને થવાં જોઈએ.