પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને દંડ કર્યો, 14 નવેમ્બરની મેચ નહીં રમી શકે
લિસ્બન, તા.20: ફૂટબોલના દિગ્ગજ ખેલાડી અને પોર્ટુગલ
ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ શિસ્તભંગના મામલે આકરી કાર્યવાહી કરવામાં
આવી છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને રાષ્ટ્રીય ટ્રાનિંગ કેમ્પ અધવચ્ચે છોડી જવા બદલ
રોનાલ્ડો પર 30 દિવસનો સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે.
આ શિસ્તભંગની કાર્યવાહી તાજેતરના ઇન્ટરનેશનલ બ્રેક
દરમિયાન બનેલી ઘટનાને પગલે કરવામાં આવી છે. ફેડરેશનના નિર્દેશ અનુસાર, આ પ્રતિબંધ
30 સપ્ટેમ્બરથી અમલી ગણવામાં આવ્યો છે. સમયમર્યાદા જોતાં રોનાલ્ડો 14 નવેમ્બરે રમાનારા
પોર્ટુગલના આગામી આંતરરાષ્ટ્રીય મુકાબલામાં મેદાન પર વાપસી કરી શકશે નહીં. ટીમનો નિયમિત
કેપ્ટન હોવા છતાં નિયમોના પાલન ખાતર ફેડરેશને તેની સામે ઔપચારિક તપાસ શરૂ કરી આ સજા
સંભળાવી છે.
વિવાદના મૂળ સપ્ટેમ્બરના અંતમાં નોર્વે સામે રમાયેલી
મેચ સાથે જોડાયેલા છે, જેમાં પોર્ટુગલે 2-1થી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ સમગ્ર મુકાબલા
દરમિયાન રોનાલ્ડો બેન્ચ પર બેસી રહ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ મુખ્ય કોચ જોર્જ જીસસ
અને રોનાલ્ડો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વલણથી રોનાલ્ડો અત્યંત નારાજ થયો હતો.
જીસસે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર સ્થિતિ અંગે ખુલાસો કરવાનું વચન આપ્યું હતું, જેનું
તેમણે પાલન કર્યું નહોતું. ડ્રાસિંગ રૂમમાં સર્જાયેલા આ તણાવ બાદ સાઉદી ક્લબ અલ-નાસરના
કેપ્ટને ડેનમાર્ક સામેની મેચ પહેલાં જ પોર્ટુગલનો ટ્રાનિંગ કેમ્પ અચાનક છોડી દીધો હતો.
જોકે, આવેશ શમ્યા બાદ રોનાલ્ડોએ પોતાની ભૂલ સ્વીકારી સાથી ખેલાડીઓ અને વિશ્વભરના પ્રશંસકો
સમક્ષ જાહેર માફી માંગી હતી.