1 વર્ષમાં 20 ટકા ભાવવધારા બાદ આખરે સરકાર જાગી ! ખાદ્યતેલ પર ઈમ્પોર્ટ ડયૂટી ઘટી
નવી
દિલ્હી, તા. 24 : તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ
માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર
ઓઈલ સહિતના મુખ્ય ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
છેલ્લા
1 વર્ષમાં ભારતમાં વનસ્પતિ તેલના ભાવોમાં લગભગ 20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જેને
ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આવનારા મુખ્ય ધાર્મિક
તહેવારો અને ઉત્સવોમાં મીઠાઈ, ફરાળ અને તળેલી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે આ
ડ્યૂટી કટથી બજારમાં તેલના ભાવ નીચા આવશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે.
સરકાર
દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ક્રૂડ પામ ઓઈલ અને સોયા ઓઈલ પરની બેઝિક
આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં
આવી છે. આ ઉપરાંત રિફાઈન્ડ પામ ઓઈલ અને રિફાઈન્ડ સોયા ઓઈલ પરની ડ્યૂટી 32.5 ટકાથી ઘટાડીને
27.5 ટકા કરવામાં આવી છે.
ક્રૂડ
સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. જ્યારે
રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની ડ્યૂટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે. બેઝિક
કસ્ટમ ડ્યૂટી ઉપરાંત ખાદ્યતેલની આયાત પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ
સેસ અને સોશિયલ વેલફેર સરચાર્જ પણ લાગુ પડે છે. જેના કારણે હવે ક્રૂડ પામ અને સોયા
ઓઈલ પર કુલ આયાત ડ્યૂટી 16.5 ટકાથી ઘટીને 11 ટકા થઈ ગઈ છે, જ્યારે ક્રૂડ સનફ્લાવર ઓઈલ
પર ડ્યૂટી 16.5 ટકાથી ઘટીને 5.5 ટકા થઈ ગઈ છે.
આ ડ્યૂટી
ઘટાડાથી સનફ્લાવર ઓઈલ સૌથી મોટો ફાયદાકારક સાબિત થશે કારણ કે, તે રિફાઇનર્સ માટે વધુ
આકર્ષક બનશે અને સોયા તથા પામ ઓઈલ પરનું દબાણ ઘટાડશે. અગાઉ ડ્યૂટી ઘટવાની અપેક્ષાએ
રિફાઇનર્સે ખરીદી અટકાવી દીધી હતી, પરંતુ હવે તહેવારોના સમયની માંગને પહોંચી વળવા માટે
તેઓ આયાતમાં વધારો કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય માંગ વધવાથી મલેશિયન પામ ઓઈલ અને
યુએસ સોયા ઓઈલના વાયદાને પણ ટેકો મળશે, જેનાથી સ્થાનિક બજારમાં સંતુલન જળવાઈ રહેશે.
શાળાઓ
પાસે જંક ફૂડ નહીં ચાલે
નવી
દિલ્હી, તા. 24 : દેશમાં શાળાઓ અને તેના 50 મીટરના દાયરામાં વધારે નિમક, ખાંડ, ચરબીવાળા
જંક ફૂડના વેચાણ પર 2020થી રોકના નિયમને વધુ કડક બનાવાશે. ખાદ્ય સુરક્ષા, ધારાધોરણ
સત્તામંડળ (ફસાઈ)એ નવા નિયમોનો મુસદ્દો જારી કર્યો છે. આ નવા નિયમો હેઠળ પેકેટમાં મોજૂદ
નિમક, ખાંડ, ફેટની માત્રાના આધારે નક્કી થશે કે શાળાઓ પાસે જે-તે વાનગી વેચવા લાયક
છે કે નહીં. આજની તારીખે ચિપ્સ, બિસ્કિટ, નમકીન અને કોલ્ડડ્રિંકસનાં વેચાણ પર સીધી રોક નથી. નવા નિયમોમાં
કઈ વસ્તુઓ પર રોક મૂકવી તે અંગે નિર્ણય લેવાશે.
બાળકો
માટે પોષક વાનગીઓ અંગે મુસદ્દો ઘડાયા પછી જ પોષક તત્ત્વોના આધારે નક્કી કરાશે કે કઈ
વસ્તુ વેચવા પર રોક મૂકવી.
યાદી
અને નિયમ નક્કી થયા પછી શાળાના કર્મચારીઓને આ અંગે તાલીમ અને માર્ગદર્શન અપાશે.
શાળાના
50 મીટરના દાયરાવાળા નિયમોનું પાલન કરાવવાની અને નજર રાખવાની જવાબદારી રાજ્યોના ખાદ્ય
સુરક્ષા વિભાગોની હશે.
નવા
નિયમો તૈયાર કરીને તેને ક્યારે લાગુ કરવા તેની સમયમર્યાદા પણ ટૂંક સમયમાં નક્કી કરાશે.