પ્રવીણ ગઢવી, શાહબાઝ પઠાણ
ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં લોકો ઠંડા-પીણા, ગોલા, લીંબુ સરબત, શેરડીનાં રસનો સહારો લઈ ઠંડક મેળવતા હોય છે ત્યારે રાજકોટમાં મહારાષ્ટ્રથી આવેલો પરિવાર હસ્ત સંચાલીત રસના ચિચોડા દ્વારા પોતાના સંઘર્ષનો રસ શેરડીના રસ સ્વરૂપે વેંચી ગુજરાન ચલાવી રહ્યો છે. ગરમીની મોસમમાં લોકો તરસ છીપાવવા અનેક ઠંડા પીણા પીતો હોય છે. ત્યારે એક નાનકડા ગ્લાસમાં મળતો ઠંડો મીઠો શેરડીનો રસ માત્ર એક પીણુ જ નથી, પણ સ્વયં સંચાલિત ચિચોડા દ્વારા માણસની દિવસભરની મહેનત, સ્વરનો અને સંઘર્ષનો રસ છે. હાથમાં લાકડુ પકડીને ગોળ ગોળ ફરી પોતાના ધબકતા પરિશ્રમ અને પરિવારની આશાઓને તે રસરૂપે પીવડાવી રહ્યો છે.
આવા જ એક હસ્ત સંચાલિત ચિચોડો ચલાવનાર પ્રમોદ રઘુનાથ મહારાષ્ટ્રનાં ખાનાપુર ગામમાંથી રાજકોટ શહેરમાં આવી શેરડીનો રસ વેચવાનો વ્યવસાય છેલ્લા 1પ વર્ષથી કરે છે. સગા સબંધીઓની મદદથી પોતાના વતનમાંથી રૂ.30 હજારનો ચિચોડો ખરીદીને ધંધાની શરૂઆત કરી હતી. ઉનાળાની સીઝનમાં શેરડીના રસનો ધંધો કરી બાકીના સમયમાં મજુરી કામ કરી પેટીયુ રળી રહ્યા છે. પ્રમોદ મ્હાત્રે પોતે, પત્નિ અને બે પુત્રો સાથે રાજકોટમાં આવેલા ગોકુળધામ પાસેના આંબેડકરનગરમાં ભાડેથી રૂમ રાખીને રહે છે. હાલમાં તેઓ એસ્ટ્રોન ચોકથી મહિલા કોલેજ ચોક તરફ જતા રસ્તામાં વચ્ચે ઉભા રહી હસ્ત સંચાલિત ચિચોડાથી રસ વેચે છે. જાત મહેનતથી રસ કાઢીને ગ્રાહકને 1પ રૂા.માં એક ગ્લાસ વેચે છે. આવી રીતે પોતાનું
તથા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાની સાથે પોતાના વતનમાં રહેતા વૃદ્ધ માતા-પિતાને પણ આર્થિક મદદ કરે છે.
(આ લખનાર બન્ને ભાઈઓ પત્રકારત્વના તાલીમાર્થી છે.)
એક મહિલા મારા બન્ને બાળકોને શાળામાં એડમિશન અપાવ્યું : પ્રમોદ મ્હાત્રે
પ્રમોદ મ્હાત્રેએ કહ્યું હતું કે, એકવાર એક મેડમ મારા ચિચોડા પર રસ પિવા આવેલ ત્યારે મને વ્યવસાયમાં મદદ કરતા મારા 1ર વર્ષના પુત્રને જોઈને કહ્યું કે, તમારા બાળકની ભણવાની ઉંમર છે તમે શા માટે મજુરી કરાવો છો...? ત્યારે મેં તેમને મારી આર્થિક પરિસ્થિતિની વાત કરી. તેમણે મારા બન્ને બાળકોની ફી માફ કરાવીને શાળામાં દાખલ કરાવ્યા. મારા બાળકોને ભવિષ્યમાં મારા જેવી મહેનત ન કરવી પડે તે માટે હું પણ તેને શિક્ષણ લેવામાં મદદ કરી રહ્યો છું.