હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે
રાજકોટ, તા. 20: રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાસે ડો. દસ્તુર માર્ગ પર રેલવે નાલું બનાવવાની કામગીરી આગળ વધી રહી છે. આ કામગીરી આગામી જુન માસ સુધીમાં એટલે કે ચોમાસા પહેલા પુરી થઈ જવાની સંભાવના રેલવેના સૂત્રોએ વ્યક્ત કરી હતી. આ નાલું ચોમાસા પહેલા લોકોપયોગમાં લેવામાં આવશે તો હજારો વાહન ચાલકોને એસ્ટ્રોન ચોક પાસે થતી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી રહેશે.
ઘણા સમયથી આ નાલાની કામગીરી ચાલી રહી છે. રેલવે અને મહાપાલિકાએ પરસ્પર આ પ્રકારની કામગીરી સંદર્ભે નાણાકીય લેતી-દેતી સતત ચાલતી રહે છે. અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાંનું ચુકવણું બાકી રાખી દેવામાં આવતા કામગીરી અટકી ગઈ હતી. જોકે ત્યારબાદ મહાપાલિકાએ રેલવેને ચુકવવાની થતી કરોડો રૂપિયાની રકમ જમા કરાવી આપી હતી.
ત્યારે આ નાલાનું નિર્માણ કામ હવે ગતિશીલ બન્યું છે. રેલવે દ્વારા આ નાલા માટે ખાસ બનાવવામાં આવેલા બોકસને પુશ ટેકનોલોજીથી ખસેડીને રસ્તો કરી આપશે. બાદમાં અહીં ડામર રોડ કરી આપવામાં આવશે. જેથી રસ્તો ખુલ્લો થતા લોકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળી રહેશે.
ડો. દસ્તુર નાલાની ટેકનિકલ માહિતી
* ડો. દસ્તુર માર્ગ પર નાલાનું બાંધકામ રૂપિયા 4 કરોડની આસપાસના ખર્ચે થવાનું છે
* મનપાએ રેલવેને અગાઉ 2.08 કરોડ ચુકવ્યા હતા, 1.17 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હતા
* જુન મહિનાના અંત સુધીમાં આ નાલાનું કામ પુરું થઈ જશે
* આરસીસી બોક્સ પેટર્નની ટેકનોલોજીથી થઈ રહ્યંy છે બાંધકામ
* 2.5 મીટરની ઉંચાઈ અને 4 મીટર પહોળાઈ