• શનિવાર, 04 મે, 2024

સ્વાસ્થ્યના નામે ભ્રામક જાહેરખબરો

કેન્દ્ર સરકારે ઇ-કૉમર્સ કંપનીઓને બૉર્નવિટા જેવાં પીણાં સ્વાસ્થ્ય પીણાંની શ્રેણીથી હટાવવાના આદેશ આપ્યા પછી હવે શિશુ આહારથી સંકળાયેલી કંપની નેસ્લે જે પ્રકારના વિવાદોમાં ઘેરાઇ છે તેનાથી બાળકોને સ્વાસ્થ્યના બહાને વેચાઈ રહેલા ઉત્પાદનો પર પ્રશ્નચિહ્ન તો લાગે છે. સવાલ એ પણ થાય છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના આંતરરાષ્ટ્રીય માપદંડો વિકાસશીલ દેશોમાં નબળા કેમ પડી જાય છે?

સ્વિત્ઝર્લેન્ડની તપાસ એજન્સી ‘પબ્લિક આઈ’ અને આંતરરાષ્ટ્રીય શિશુ આહાર એક્શન નેટવર્કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચવામાં આવી રહેલા નેસ્લેના શિશુ આહાર ઉત્પાદનોના નમૂના જ્યારે બેલ્જિયમની એક પ્રયોગશાળામાં મોકલાવ્યા ત્યારે જણાયું કે અલ્પ વિકસિત બજારોમાં મોકલવામાં આવી રહેલા શિશુઓના દૂધમાં યુરોપીય બજારોની સરખામણીમાં ખાંડની માત્રા વધુ છે. વિશ્વસ્વાસ્થ્ય સંગઠન પહેલાં જ નવજાત શિશુઓના ડોઝમાં વધારાની ખાંડથી સ્વાસ્થ્યને થતા નુકસાનને લઇ ચેતવણી આપી ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં દરેક સેરેલેક ઉત્પાદનમાં પ્રતિ ડોઝ 2.7 ગ્રામ ખાંડ હતી, જ્યારે ઇથોપિયામાં તે પાંચ ગ્રામ વધુ અને આઇલૅન્ડમાં તો છ ગ્રામ સુધ્ધાં જણાઈ છે.

અહીં ઉલ્લેખ કરવો ઘટે કે કેટલાંક વર્ષો પહેલાં નેસ્લેના જ એક બીજા લોકપ્રિય ઉત્પાદન મેગીમાં પણ હાનિકારક પદાર્થો હોવાના આક્ષેપ થયા હતા. વાત ફક્ત નેસ્લેની નથી, સૌંદર્ય પ્રસાધન હોય કે કોલ્ડ ડ્રિંક્સ, બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુણવત્તાના પ્રકરણમાં વિકાસશીલ દેશો સાથે બેવડો માપદંડ દાખવે છે. એટલે કે વિદેશી કંપનીઓ આપણને દ્વિતીય શ્રેણીના માને છે? આપણે આવી કંપનીઓને હજુ સુધી એક સાદી નોટિસ પણ મોકલી નથી શક્યા.

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ હાલ રિપોર્ટની તપાસ કરી રહ્યું છે અને જો રિપોર્ટમાં જરા પણ સચ્ચાઈ જણાય તો આ સ્થિતિ આકરાં પગલાં લેવાની માગ કરે છે, કારણ કે બાળકોનાં સ્વાસ્થ્ય બાબત કોઈ બાંધછોડ ન થઈ શકે. નેસ્લે પ્રકરણ પછી પૅકેજ્ડ કે જંકફૂડના પરંપરાગત ખાદ્ય પદાર્થો ભણી ચર્ચા વેગ પકડશે એમાં શંકા નથી પણ વધતી માગ, ઘટતી ઉપલબ્ધતા અને પર્યાવરણમાં અંધાધૂંધ શોષણથી શુદ્ધ અનાજ, ફળ અને દૂધ કેટલાં બચ્યાં છે? મુદ્દો પારંપરિક વિરુદ્ધ પૅકેજ્ડનો એટલો બધો નથી, જેટલી ખાદ્ય પદાર્થોની સતત તપાસનો છે. આમ પણ જે વસ્તુઓ બાળકોનાં સ્વાસ્થ્યથી સંકળાયેલી છે, તેની ઊંડી તપાસની આવશ્યકતા છે. જો આપણે પશ્ચિમનું ઉદાહરણ લઈએ તો ખાનપાનની શુદ્ધતાના જે માપદંડ તેઓએ જાળવી રાખ્યા છે, તે આપણાથી ઉન્નત છે. દરેક વસ્તુમાં પશ્ચિમી નકલ કરનારા આપણે આ બાબતમાં તેમનાથી કોઈ શીખ શા માટે નથી લેતા!

ઇ-પેપરના નવા શુલ્ક