• શુક્રવાર, 17 મે, 2024

લોકશાહીને લાંછન : રાજરમત બનાવટી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નકલી વીડિયોની ફરિયાદ થયા પછી તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીને તપાસ માટે નવી દિલ્હીમાં હાજર થવાનું દિલ્હી પોલીસે જણાવ્યું છે. ભાજપનો આક્ષેપ છે કે ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ બેહદ ‘નકલી અને વિક્ષિપ્ત’ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. નકલી વીડિયોમાં, તેલંગણામાં ધાર્મિક આધાર પર મુસલમાનોનું આરક્ષણ સમાપ્ત કરવાના નિરાધાર બાબત શાહના નિવેદનને તોડીમરોડીને એવી રીતે દાખવવામાં આવ્યું છે જાણે તેઓ દરેક એસએસટી-પછાત વર્ગના આરક્ષણને ખતમ - બંધ કરી દેવાની જાહેરાત કરી રહ્યા છે! વાસ્તવમાં અમિત શાહે તો ઓબીસીના ક્વૉટામાંથી મુસલમાનોની અનામત સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં હારથી ડરેલા વિપક્ષ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે. નકલી વીડિયો બનાવીને જુદાજુદા ઈન્ટેલિજન્સ મીડિયા પર મૂકી રહ્યા છે. વોટ બૅન્કના રાજકારણમાં કૉંગ્રેસ પછાત વર્ગના આરક્ષણમાં મુસ્લિમ સમાજને સમાવિષ્ટ કરવા માગે છે અને ભાજપે જાહેરમાં કૉંગ્રેસના પ્લાનનો પર્દાફાશ કર્યા પછી હવે કૉંગ્રેસ નકલી વીડિયોથી અમિત શાહના ભાષણમાં ઉમેરા કરીને એવી છાપ ઊભી કરવા માગે છે કે ભાજપ પછાત વર્ગનું આરક્ષણ ખતમ કરશે! કર્ણાટકમાં કૉંગ્રેસે બંધારણ બદલવાની તથા એસટી/એસસી અને ઓબીસીના અધિકાર છિનવવાનું અભિયાન ચલાવ્યું છે. બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર નથી. આ સંદર્ભમાં અનામત માટેની ભાજપની નીતિ મતદારોને આકર્ષી રહી હોય એવા ડરથી કૉંગ્રેસ હવે નકલી વીડિયો દ્વારા ભાજપની અનામતની નીતિને વિકૃત રીતે રજૂ કરી મતદારોને પોતાના ભણી વાળવા માગે છે પણ મતદારો નાદાન નથી કે આવા નકલી વીડિયોથી દોરવાઈ જાય.

વાસ્તવમાં લોકસભા ચૂંટણીના બે તબક્કા શાંતિપૂર્ણ પાર પડયા પછી  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં જણાવ્યું છે કે બન્ને તબક્કા બાદ તેમનો પક્ષ આંતરિક મૂલ્યાંકન પ્રમાણે ભાજપ અને સાથી પક્ષથી મળીને 100થી અધિક બેઠકો જીતી ગયો છે. તેમણે એમ પણ કહ્યું છે કે જનતાના આશીર્વાદથી તેમનો પક્ષ 400નો ટાર્ગેટ પાર કરી લેશે. ભાજપ 200થી આગળ ચાલી રહ્યો છે. એવા નિવેદને વિપક્ષો અને ખાસ કરીને કૉંગ્રેસને હચમચાવી છે. જેને લઈ તેઓએ જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્નાના વીડિયો અને અમિત શાહના નકલી વીડિયોનો સહારો લઈ ભાજપ એનડીએની પ્રતિભા બગાડવાનો પ્રયાસ કર્યો છે. અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે પ્રજ્વલ રેવન્નાના પ્રકરણે ભાજપ દેશની માતૃશક્તિની સાથે છે.

કૉંગ્રેસ હતાશાના સ્તર પર પહોંચી ગઈ લાગે છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન - કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને અન્ય નેતાઓનો પણ અમિત શાહના નકલી વીડિયો પાછળ હાથ હોવો જોઈએ. અમિત શાહના વીડિયો પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને નીચલા સ્તરની રાજનીતિ માટે જે કોઈ જવાબદાર હોય તેઓને જલદી સળિયા પાછળ કરવા જોઈએ. લોકસભાની ચાર તબક્કાની ચૂંટણી હજી બાકી છે. તે પહેલાં અમિત શાહના નકલી વીડિયોનું સત્ય બહાર આવવું જોઈએ. જેથી લોકોને વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસની ગંદી રાજરમતનો ખ્યાલ આવે અને તે એને ‘સબક’ શીખડાવી શકે. વડા પ્રધાન મોદીએ જનતાને સાવધાન કરીને વિપક્ષને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ સંજોગોમાં આવી ચાલબાજી નહીં ચલાવી લેવાય, સખત હાથે કાનૂની પગલાં ભરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક